STORYMIRROR

Swati Dalal

Tragedy Thriller

4  

Swati Dalal

Tragedy Thriller

અધૂરો પ્રેમ !

અધૂરો પ્રેમ !

8 mins
417

શામ સે આંખમે નમી સી હૈ..  ઘૂંટાયેલો મધુર સ્વર, જગજીત સિંહનો અવાજ અવનીના કાનમાંથી જાણે હૃદય સુધી પહોંચી રહ્યો હતો....મુંબઈનો ધોધમાર વરસાદ અને ગોરંભાયેલી સાંજ.. ગાડીમાં વાગતી ગઝલ હંમેશા અવની ને દૂર ક્યાંક લઈ જતી... વરસતો વરસાદ તેની તકલીફોમાં ઑર વધારો કરતો ..બાજુમાંથી સડસડાટ નીકળતું બાઈક જોઈને તેનું હૃદય ધબકારો ચૂકી જતું.... અચાનક રમરમાટ  જતાં બાઇક પર સાનિધ્ય આવીને તેની ગાડીની સામે ઊભો રહી જાય, એ વિચારે દરેક બાઇકને તે તાકી રહેતી.... ધીમી ઝડપે આગળ વધી રહેલી ગાડી અને ધીમી ઝડપે ફરીથી હૃદયમાં ઉમટી રહેલો સાનિધ્ય.

....આમ પણ સાનિધ્ય ને ક્યાં કોઈ કામ પૂરું કરવાની ટેવ હતી ..ભયાનક ઉતાવળિયો અને દરેક કામ અધૂરું છોડવામાં ખૂબ પાવરધો ..એક જ વાક્ય હંમેશા ગુંજતું, "અવની મને અધૂરપ ગમે છે,  જો બધું પૂરું થઈ જાય તો તો મજા જ શું આવે " ...મજા તો અધૂરું છોડવામાં છે ..અને અધૂરો પ્રેમ જ કદાચ લાંબો સમય સુધી યાદ રહે છે, અને અવની નવાઈથી સાનિધ્યને તાકી રહેતી.. ખૂબસુરત ચહેરો, ભૂરી કાચ જેવી આંખો અને કપાળ પર લહેરાતા લીસ્સા વાળ અવની ને તેનું બધું જ ગમતું, પણ એક અધૂરું છોડવાની કુટેવ !

  અવની અને સાનિધ્ય અમદાવાદ આઈઆઈએમ માં મળ્યા અને પછી સાથે જ રહ્યા... સાનિધ્ય મૂળ અમદાવાદનો તેથી અવની ઘણીવાર તેના ઘરે જતી તેની માતા સાથે પણ અવનિને ખૂબ સારું બનતું. બીજી તરફ બેંગ્લોરની અવની માટે તો જાણે જીવન નો સહારો જેવો હતો સાનિધ્ય...મુંબઈમાં પ્લેસમેન્ટ મળતા સાથે જ અહીં આવ્યા હતા.. આખો દિવસ કામ અને પછીની સાંજ એકબીજાની સાથે જ ...મોટેભાગે સાનિધ્ય અવની ના ફ્લેટ પર જ હોય ..ગઝલો પુસ્તકો અને કોફી સાનિધ્ય ને ખૂબ પ્રિય, એમાં પણ હંમેશ અધૂરો છોડેલો કોફી નો કપ !

           સાનિધ્ય નુ બધું જ કામ ઉતાવળુ અને અધૂરું, બૂટની દોરી થી માંડીને લાઈટો પણ ચાલુ જ મુકી ને જતું રહેવું કે દરવાજા ઉઘાડા ડબ્બા ખુલ્લા...બધું જ અધૂરું કામ અવની ને ત્રાસ આપતું ... તે હંમેશાં સાનિધ્યને શરૂ કરેલું કામ પૂરું કરવાની સલાહ શિખામણ આપતી અને પોતાની ધૂનમાં જ જીવતો સાનિધ્ય દરેક વસ્તુને હંમેશા અધૂરી છોડતો ...કદાચ આ કુટેવને કારણે જ એ અવની ને પણ અને અવનીના પ્રેમને પણ અધૂરો છોડી ગયો.

બે દિવસમાં અમદાવાદ જઈને આવવાનું કહીને ગયો પછી બાર મહિના થયા છતાં પણ કોઇ પત્તો જ નહોતો.. અવનીના લગ્ન માટે ના દબાણ આગળ સાનિધ્ય કદી ન ઝૂકે.... તે કહેતો કે તેને અવની તો પ્રેમિકા તરીકે જોઈએ .. લગ્ન એટલે પ્રેમ પૂરો થયો એવું કહીને તે હંમેશાં લગ્નથી દૂર ભાગતો...અવનીના અતિશય આગ્રહને કારણે બે દિવસનો સમય લઈને માતા સાથે વાતચીત કરવા અમદાવાદ ગયો હતો... પણ બસ એ ગયો તે ગયો જ ..આજે એ વાતને લગભગ વરસ થવા આવ્યું, પણ કોઇ અતો પતો નહીં ...તેની ઓફિસમાં, તેના ઘરે, બધી જગ્યા પર અવની શોધી વળી હતી.

                  તો બે ત્રણ વાર તો અમદાવાદ પણ જઈ આવી હતી.. આજુ બાજુના પાડોશીઓને પણ પૂછ્યું પણ કોઈને કંઈ ખબર જ ન હતી કે મા દીકરો ક્યાં ગયા..આમ અચાનક સાનિધ્યનું ચાલ્યા જવું અવની ને ખૂબ તકલીફ આપતું હતું.

               ઓફિસથી ઘરે પહોંચ્યા પછીની દરેક સાંજ પ્રેમાળ સાનિધ્યની હૂંફ ને યાદ કરી ને અવની અંદરોઅંદર ઘૂંટાયા કરતી ...મનોમન કેટલીય વિનવણીઓ અને કાકલૂદી તો તેની ચાલતી રહેતી... બસ એકવાર સાનિધ્ય પાછો મળી જાય પછી એ જે કહેશે એમ જ કરીશ.. પણ ભગવાન ક્યાં હંમેશા આપણા કાલાવાલા સાંભળે છે ....જીવન અને વેદના લગભગ સાથે જોડાયેલા જ હોય છે ..અને અવની સાનિધ્યના વિરહ ના તરફડાટ માં જીવ્યે જતી હતી.

એકાદ વર્ષ રાહ જોયા બાદ હવે મા-બાપની ઈચ્છા અને કદાચ જીદ્ ને માન આપીને તેણે સાનિધ્યને ભૂલીને જીવનને આગળ ધપાવવાનું નક્કી કરી લીધું હતું ....અતિત સાથે સગાઈ તો કરી પણ સાનિધ્ય કદાચ એના હૃદયમાં ખૂબ ઊંડે ઊતરેલો હતો .. પહેલો પ્રેમ હતો ..તેની સાથે વિતાવેલી ક્ષણો અને સાનિધ્ય નો અધૂરો પ્રેમ અવની ને અસહ્ય તરફડાટ આપતા..

    અતિત આ બધાથી માહિતગાર હતો અને અવની એ પહેલા જ બધું જણાવી દીધું હતું ...પણ જે વ્યક્તિનો કોઈ પત્તો જ ન હતો તેનાથી અતિત ને પણ કોઈ પરેશાની ન હતી....ખુબ સુંદર, દેખાવડી, ઈન્ટેલિજન્ટ અને માયાળુ, અવની જેવી અદ્ભુત સ્ત્રી ને તે ફક્ત તેની સાથે જોડાયેલા એક નામને કારણે જવા દે તેવો મુરખ તો અતીત પણ ન હતો.

   લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતા જતા હતા તેમ તેમ અવની અવશપણે વધુ ને વધુ તીવ્ર પણે સાનિધ્યને યાદ કરવા માંડી હતી... અને ક્યારેક ચોધાર આંસુએ રડી પડતી.. કંઈ કેટલીય વાર સાનિધ્યને મોબાઈલ પર મેસેજ મુકયા હશે અને હજારો વાર ફોન પણ કર્યા હશે પણ બધું વ્યર્થ જતું હતું ..સાનિધ્ય અને તેની માતા નો કોઈ પતો ન હતો ....બસ આટલા વર્ષોનો અઢળક પ્રેમ, સાથ અને યાદ, સાનિધ્ય અવની ને આપી ને ગયો હતો અને હંમેશા હૃદય માં સળગતો સવાલ..." કેમ સાનિધ્ય આમ છોડી ગયો"? આજે કદાચ અવની એ પણ સ્વીકારી લીધું હતું, કે અધૂરા પ્રેમ ની વેદના કંઈક અલગ જ હોય છે.. પ્રેમ અધૂરો રહી ગયો હોવાથી જ કદાચ  તે સાનિધ્યને ખૂબ તીવ્ર પણે યાદ કરતી ..જીવનના કેટલાય સવાલો અને કેટલીય વાતો બસ અધૂરી રહેવા માટે જ સર્જાતી હોય છે, તે પૂરી થાય તો તેનું મૂલ્ય કદાચ આપણા માટે ઘટી જાય અને સાનિધ્ય પણ બધા સંબંધો જો પૂરા કરીને ગયો હોત તો અવની આમ તેને ઝંખે જ નહીં ..

 અવની ના લગ્નને આડે હવે પંદર દિવસ રહ્યા હતા.. બધી જ વ્યવસ્થા મુંબઈમાં થઈ ગઈ હતી.. અવની અને અતિત ના માતા-પિતા અને મહેમાનો આવી ચૂક્યા હતા.... આખો દિવસ મહેમાન અને પ્રસંગ ની તૈયારીઓ માં પણ કોઈકવાર સાનિધ્ય ખૂબ જ તીવ્ર પણે યાદ આવી જતો અને અવની ના આંખોના ખૂણા ભીના કરી જતો.... હંમેશા તેના નંબર ડાયલ કર્યા કરતી હતી કે કદાચ કોઈ તો ખબર મળે.... પણ બધું નકામું !

          આજે તો અવની ના હાથ ઉપર અતીતના નામની મહેંદી લાગી રહી હતી.... આખો પરિવાર સંગીત અને ખુશીઓમાં વ્યસ્ત હતો અને અવનિની આંખો પોતાની મહેંદીમાં સાનિધ્યનું નામ શોધી રહી હતી ..આખા પરિવારની ખુશી જોઇને ક્યારેક એક હળવું સ્મિત તેના ચહેરા ઉપર આવી જતું.... બધા જ સંગીત સંધ્યામાં વ્યસ્ત હતા પરિવારજનોથી ઘેરાયેલી અવની નો ફોન વાઈબ્રેટ થયો ..અત્યારે કોણ હોઈ શકે ! જાણીતા લોકો તો બધા અહીં જ છે,  અવની એ કોલાહલ થી થોડું દૂર જઈને ફોન ઉઠાવ્યો.. અજાણ્યો અવાજ હતો પણ શુદ્ધ ગુજરાતીમાં અવનીને માહિતી આપી રહ્યો હતો કે," સાનિધ્ય ના ફ્લેટમાં કોઈ આવ્યું છે .. અજાણી કોઈ વ્યક્તિ, એ ફ્લેટનો દરવાજો ખોલી અંદર ગઈ છે... અવની આશ્ચર્યથી સાંભળી રહી, તેને યાદ આવ્યું કે તે પડોશીને કહીને આવી હતી અને ખૂબ આજીજી સાથે પોતાનો નંબર પણ આપ્યો હતો, કે કોઈ પણ માહિતી મળે કે કોઈપણ આવે તો પોતાને મેસેજ આપવા વિનંતી અને તે જ પડોશીનો અત્યારે ફોન હતો ..અવની એ બીજી વિગતો પૂછી પણ તેમને બીજું કંઈ ખબર જ ન હતી.... ફોન મુકાયો અને અવની સ્તબ્ધ ઊભી રહી ગઇ ..તેના મગજમાં ધમધમાટ ચાલતો હતો ....લગ્ન જેવો પ્રસંગ મૂકીને જવું કે પછી જીવનભર નો અફસોસ સાથે રાખવો.. અસહ્ય મનોમંથન બાદ સ્વસ્થ થઈને તેણે અતીતને ફોન લગાવ્યો અને તરત જ મળવા માટે બોલાવ્યો ..અવની ચૂપચાપ અતીતને મળવા માટે બહાર નીકળી ..

            હાથમાં મહેંદી, આછા પીળા ચણિયાચોળી અને ખુલ્લા વાળની ઉડતી લટો, અતિત અત્યંત સુંદર અવની પરથી નજર જ ન ખસેડી શક્યો અને શું કામ બોલાવ્યો હતો તે તો પૂછવાનું જ ભૂલી ને તે અવની ને એકટક તાકી રહ્યો હતો... અવની એ થોડા અસમંજસ સાથે અતીતને જણાવ્યું કે, સાનિધ્યના પડોશી નો ફોન આવ્યો હતો, તેના ઘરમાં કોઈ આવ્યું છે પણ એ સાનિધ્ય ની માહિતી આપવાનો ઇનકાર કરે છે.. હમણાં જ અમદાવાદ જઈને એ વ્યક્તિને હાથ પગ જોડીને પણ સાનિધ્યની માહિતી જોઈએ છે નહીં તો જીવનભર નો અફસોસ રહેશે .."અતીત શું તમે હમણાં અત્યારે જ મારી સાથે અમદાવાદ આવશો" ? અવની ના પ્રશ્ન ને અતિત નિ:શબ્દ પણે તાકી રહ્યો ...તેણે અવની ના સુંદર ભોળા ચહેરા તરફ અને આંખોમાં ભરેલી આજીજી તરફ નજર કરી એ અવની માટે કંઈ પણ કરી શકે પણ સાનિધ્ય ! અને અતિતે ગાડી અમદાવાદ તરફ લીધી.. રાત્રે 8:00 વાગ્યે તે મુંબઈ-અમદાવાદ હાઈવે ઉપર ગાડી ચલાવી રહ્યો હતો.... બાજુમાં તેની થનાર પત્ની અવની કંઈક જુદી જ મનોવ્યથા માં હતી ....આવતીકાલની સવાર શું લાવશે તેની સમક્ષ ? સમજદાર અતિતે ટૂંકાણમાં પરિવારજનોને માહિતી આપી દીધી હતી ..અને હવે તેનું પૂરું ધ્યાન ગાડી ચલાવવામાં હતું .. થોડી થોડીવારે બાજુમાં બંધ આંખે બેઠેલી અવની તરફ જોઈને તેના હૃદયના ધબકારા અસ્તવ્યસ્ત થઇ જતા હતા.. અને એક છુપો ડર એ પણ અનુભવી રહ્યો હતો કે સાનિધ્ય મળી ગયો તો ? અવનીની આંખમાંથી ધીમા ધીમા વહેતાં આંસુ અતીતને હચમચાવી જતા હતા ..વહેલી સવારે ગાડી અમદાવાદ શહેરમાં આવી ચુકી હતી ...અર્ધજાગૃત અવની હલકી બ્રેકથી અચાનક જાગૃત થઈ ઊઠી ..એની લાલઘૂમ આંખો ને અતિત પ્રેમ થી જોઈ રહ્યો ....તો આટલો વિશ્વાસ અને સહકાર આપનાર પોતાના થનાર જીવનસાથી તરફ અવની આભારવશ તાકી રહી.. અવનિ ના બતાવ્યા મુજબ ગાડી સાનિધ્ય ના ફ્લેટ પર પહોંચે તે સાથે જ ચણિયા-ચોળીમાં જ હાથમાં મૂકી મહેંદી સાથે જ અવની એ સાનિધ્યના ઘર તરફ દોટ મૂકી..બેલ પર બેલ વગાડતા જ વહેલી સવારે ઉંઘરેટા આધેડ ઉંમર ના વડીલે દરવાજો ખોલતા જ અવની ઘરમાં ધસી ગઈ .. ક્યાં છે સાનિધ્ય ? ક્યાં જતો રહ્યો છે? તમે કોણ છો ? સાનિધ્ય ને જ મળવું છે, પ્લીઝ અવની હાથ જોડી ને આંખોમાં આંસુ સાથે બોલી રહી હતી.. તે વ્યક્તિ પણ આશ્ચર્યથી એની તરફ તાકી રહી.. અતીતે આવીને મામલો સાચવ્યો.... વડિલ વ્યક્તિ ચૂપચાપ તૈયાર થઈ ... અવનીના કેટલાય સવાલોમાં તેમણે એક જ જવાબ આપ્યો, " ચાલો લઈ જાઉં તમને સાનિધ્ય પાસે", અને અવની ડઘાઈને તેમને જોઇ રહી હતી ..તેમણે ફરી ગાડી તૈયાર કરી... અવની અને અતિત ઝડપથી ગોઠવાયા તે વડિલ પણ પાછળ બેઠા અનેક બધા સવાલોના મારા સામે તેમણે એક એડ્રેસની ચબરખી આપી અને આંખો મીંચીને બેસી ગયા.. એડ્રેસ તો રાજકોટનું હતું !! ખૂબ થાકેલા ચહેરા સાથે અવની એ અતિત તરફ જોયું અને અતીતે આંખોથી સધિયારો આપી ને ગાડી રાજકોટ તરફ મારી મૂકી ..ફરી અમદાવાદ-રાજકોટ હાઇવે પર અવનીના મગજમાં વિચારો એ ધમાસાણ યુદ્ધ શરૂ કરી દીધું...." શું કરતો હશે સાનિધ્ય રાજકોટમાં ? કદાચ લગ્ન કરી લીધા હશે કે પછી ? તો આ વ્યક્તિ કોણ હશે ?? કંઈક કેટલુંય એ વ્યક્તિને પૂછ્યું પણ વ્યર્થ.... જવાબમાં ફક્ત મૌન !

ત્રણેક કલાક બાદ ગાડી રાજકોટ પહોંચવામાં જ હતી ..પાછળ બેઠેલા વડીલે સ્વસ્થ થઈને રાજકોટના બદલે તેની પહેલાં જ એક ગામ તરફ અંદર ગાડી લેવડાવી ..દૂર દૂર સુધી લીલાછમ ખેતરો અને હરીયાળી વચ્ચે કલાક બાદ ચારેબાજુ આસોપાલવ અને નારિયેળીથી લઈ થી ઘેરાયેલ એક મકાન તરફ ગાડી ઊભી રખાવી.... તે વ્યક્તિએ નીચે ઉતરીને કહ્યું, "ચાલો સાનિધ્ય પાસે અને અવની નવાઈથી આમતેમ જોઇ રહી...."અંધ બાળકોની શાળા"..સાનિધ્ય અહીં શું કરે છે ? હવે તેની ધીરજ ખૂટી ગઈ ..તેની આંખો ચારેતરફ ફરી રહી હતી.

   વડીલે જણાવ્યું, કે અવની હું સાનિધ્યના મામા છું .. તને મળવા અને તારી સાથે લગ્ન કરવા અને તે અને તેની માતા મુંબઈ આવી રહ્યા હતા, અને તેમની ગાડીને જીવલેણ અકસ્માત થયો ...માતા તો તુરંત સ્થળ પર જ મૃત્યુ પામ્યા અને સાનિધ્ય લગભગ દસેક દિવસ સુધી જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો રહ્યો...અને તને તીવ્રપણે યાદ કરતો હતો..પણ અકસ્માત બાદ એના મોબાઇલનો કોઈ પત્તો ન મળ્યો હોવાથી, તને માહિતી ન આપી શક્યા ..અફસોસ ....અને આખરી શ્વાસ લેતા લેતા પણ તારું જ નામ દીધું હતું અવની... આંખોમાંથી વહેતા આંસુ સાથે અવની ત્યાં જ બેસી પડી... અતીત આશ્ચર્યથી તાકી રહ્યો.... અને એટલામાં જ એક પંદરેક વર્ષ નો છોકરો દોડતો આવ્યો, " મામા તમે કેમ આટલા જલદી આવી ગયા? આ કોણ છે ? અવની એ તેની તરફ નજર કરી,  એ જ સાનિધ્યની ભૂરી કાચ જેવી આંખો અવનીની આંખોને તાકી રહી હતી... પોતે અધૂરા રહી ને સાનિધ્ય એ કોઈની દુનિયામાં અજવાશ ફેલાવીને પરીપૂર્ણ કરી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy