અધૂરી ગઝલ
અધૂરી ગઝલ


સુહાસિનીએ સ્નાતકની ઉપાધી મેળવ્યા પછી બે વર્ષથી સંગીત શીખવા શહેરનો મશહૂર સંગીત ક્લાસ “સરગમ” જોઇન કર્યો હતો. બે વર્ષમાં સંગીતની બારીકીઓથી તે ખૂબ માહિતગાર થઈ ગઈ હતી. ભગવાને તેને સુંદર ગળું આપ્યું હતું. રોજ સવારે વહેલા ઉઠી તે બે થી ત્રણ કલાક રિયાઝ કરતી જેનાથી તેની ગાયકી ખૂબ ખીલી ઉઠી હતી. તેનો જોક શાસ્ત્રીય સંગીત અને ગઝલ ગાયકી તરફ હતો.
હવે તેનું સંગીતનું શિક્ષણ પૂરું થવા આવ્યું હતું એટલે તેના પૂર્ણાહુતિના દિવસે તેમની સંસ્થા તરફથી નવોદિત ગાયકો માટે સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવનાર હતો. સુહાસિનીને તે કાર્યક્રમમાં એક ગઝલ રજૂ કરવાનું કહેવામા આવ્યું હતું. સુહાસિની એક એવી ગઝલની શોધમાં હતી જેને અત્યાર સુધી કોઈ ગઝલ ગાયકે ગાઈ ન હોય. એક એવી કુંવારી ગઝલ જે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે! તેણે ઘણા ગઝલના પુસ્તકો વાંચી જોયા પરંતુ તેના મનને સંતોષ થાય તેવી કોઈ અજાણી ગઝલ તેને ન મળી. મશહૂર ગઝલકારોની મશહૂર ગઝલો જુદા જુદા ગઝલ ગાયકો દ્વારા ગવાઈ ચૂકી હતી પરંતુ તે પોતાની આગવી ગઝલ રજૂ કરવા માગતી હતી.
સુહાસિની એક દિવસ તેના ઘરના પુસ્તકાલયમાં જૂના પુસ્તકો ફેંદતી હતી ત્યારે તેને તેના દાદા પ્રણવકુમારની ડાયરી હાથ ચઢી. દાદાએ ઘણા કાવ્યો અને ગઝલોની રચના કરી હતી જે તેમની ડાયરીમાં તેમના સ્વહસ્તાક્ષરોમાં લખાએલી પડી હતી. તે પોતાના શોખ ખાતર લખતા હતા. ખૂબ સુંદર સુંદર રચનાઓ હતી. સુહાસિનીએ દાદાએ લખેલી તમામ ગઝલો વાંચી લીધી. એક ગઝલ ખૂબ સંવેદનશીલ અને ભાવનાત્મક હતી પરંતુ તે અધૂરી હતી. ફક્ત અઢી શે’ર જ લખયેલા હતા. ગઝલ પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા પાંચ શે’ર હોવા જરૂરી હતા. તે ગઝલ દાદાએ શા માટે અધૂરી છોડી દીધી હતી તે સુહાસિની સમજી ન શકી. તેણે તે અધૂરી ગઝલના ‘મત્લા’ ને ગણગણાવ્યો. સુંદર પ્રાસ, સરળ કાફિયા અને રદીફ હોવાના કારણે ગાવામાં તેને મજા આવી. તેણે વિચાર્યું કે જો દાદા આ ગઝલ પૂરી કરી આપે તો ખૂબ મજા પડી જાય અને શ્રોતાઓ ખુશ થઈ જાય.
સુહાસિની દાદા પાસે ગઈ અને તે ગઝલ પૂરી કરી આપવા વિનંતી કરી. સૌ પ્રથમતો પ્રણવકુમારે વર્ષો જૂની પોતાની ડાયરી પોતાના હાથમાં લઈ થોડોક સમય જોઈ રહ્યા જાણે જીવનનો યૌવનકાળ જીવંત થઈ ગયો હોય તેવું તેમને લાગ્યું. કોલેજના દિવસોમાં કાવ્ય અને ગઝલ લેખન પર હાથ અજમાવ્યો હતો. ત્યારપછી જીવનની ઘટમાળમાં એવા ખોવાઈ ગયા કે લખવાની વાત તો બાજુ પર વાંચવાની પણ ફુરસદ મળતી ન હતી. નિવૃત્ત થયા પછી પણ લેખન કાર્ય તરફ કોઈ દિલચસ્પી રહી નહોતી. તેમણે સુહાસિનીએ બતાવેલી ગઝલ વાંચી. ફકત અઢી શે’ર જ લખેલા હતા. તેમણે તે શે’ર બે ચાર વાર વાંચી જોયા અને સુહાસિનીને કહ્યું “ બેટા હવે આ ઉમરમાં કોઈ સ્ફુરણા થશે નહીં માટે હું આ ગઝલ પૂરી નહિ કરી શકું. હું માનું છુ ત્યાં સુધી મેં આ ગઝલ ચાલીસ બેતાળીસ વર્ષ પહેલાં લખવાની કોશિશ કરી હતી અને ત્યારથી અધૂરી જ છે. હવે કદાચ કદી ય પૂર્ણ નહીં થાય. તું તારા કાર્યક્રમમાં કોઈ મશહૂર ગઝલકારની ગઝલ રજૂ કર.” પછી હસીને બોલ્યા “મારી ગઝલ સાંભળી શ્રોતાઓ ઓડિટોરિયમ છોડી ચાલ્યા જશે અને ફિયાસ્કો થશે માટે આ વિચાર પડતો મૂક.”
સુહાસિનીના ગયા પછી પ્રણવકુમાર સમક્ષ તેમનો ભૂતકાળ તાજો થયો. પ્રણવ અને મંદાકિની શાળા જીવનથી કોલેજ જીવન સુધી સાથે ભણ્યા હતા. શાળા જીવન દરમ્યાન મંદાકિની એક શરમાળ અને શાંત કિશોરી હતી પરંતુ કોલેજમાં દાખલ થયા પછી તેનામાં ખૂબ તફાવત આવી ગયો હતો. શાંત અને શરમાળ મંદાકિની એક વહેતા ઝરણા જેવી ચંચળ અને વાચાળ બની ગઈ હતી. સાહિત્ય અને સંગીત પ્રત્યે તેને અગાધ પ્રેમ હતો. કોલેજના ભીંતપત્રમાં તેના કાવ્યો, ગઝલો, લેખો અને ટૂંકી વાર્તાઓ અવાર નવાર છપાતી હતી. કોલેજના વાર્ષિક મેગેઝીનમાં તેની એક કે બે વાર્તાઓ અને બે કે ત્રણ કાવ્યો કે ગઝલો અચૂક છપાતી. કોલેજના બધા ઇવેંટ્સમાં તે અચૂક ભાગ લેતી. ટેલેન્ટ ઈવનિંગમાં તે કોઈ ગઝલ કે ફિલ્મી ગીત રજૂ કરતી અને ઈનામ પણ મેળવતી. તે એટલું બોલ બોલ કરતી કે સૌ તેને “સ્કાયલાર્ક” કહેતા હતા.
આ ચંચળ મંદાકિની શાંત અને ગંભીર પ્રણવને દિલ દઈ બેઠી. કોલેજના પિરિયડ બઁક કરી તે પ્રણવ ને લઈ કદી સિનેમા જોવા ચાલી જતી તો કદીક કોઈ બાગના એકાંત ખૂણામાં પ્રણવના ખોળામાં માથું મૂકી કલાકોના કલાકો અલક મલકની વાતો કર્યા કરતી. મંદાકિનીના સહવાસમાં પ્રણવકુમાર પણ સાહિત્ય લખવા પ્રેરાયા અને તેઓ ગીત, ગઝલ અને કાવ્યો લખતા થયા. તેમની રચનાઓ તેમણે ફકત તેમના અને મંદાકિની પૂરતી મર્યાદિત રાખી હતી. અન્ય કોઈને તેમના લેખનકાર્યની જાણકારી ન હતી.
મંદાકિની શહેરના માલદાર વેપારીની એકની એક દીકરી હતી જ્યારે પ્રણવ એક ગરીબ વિધવા માતાનો પુત્ર હતો. મંદાકિનીની વધતી જતી નજદીકીથી પ્રણવને ગભરામણ થતી. તેણે એક વાર હિમ્મત કરી મંદાકીનીને કહ્યું “મંદા, આપણે એક એવી નદીના બે કિનારા છીએ જેનું એક થવું સંભવ નથી માટે આપણે એક મર્યાદા બાંધી ચાલવું જોઈએ તેવું મારુ માનવું છે.”
મંદાકિની : “પ્રણવ આપણે બંને એકજ જ્ઞાતીના છીએ માટે આપણને એક થતાં કોઈ રોકી નહીં શકે.”
પ્રણવ : “ મારી ગરીબી આપણને એક થવામાં મોટો અંતરાય ઊભો કરી શકે તેમ છે.”
મંદાકિની: “ કેમ ગરીબ માણસને પ્રેમ કરવાનો હક નથી ? જો ગરીબી અંતરાય થશે તો હું મારા બાપની દોલતને ઠોકર મારી તારી પાસે ચાલી આવીશ.”
તે વખતે તો પ્રણવ મંદાકિનીની ખુમારી અને હિમ્મત જોઈ આશ્વસ્ત થયો હતો પરંતુ દરેક પ્રેમીઓના જીવનમાં થાય છે તેમ તેમનો પ્રેમ સામાજિક બંધનોની અને અમીરી ગરીબીની અભેદ દીવાલને ભેટ ચઢી ગયો. મંદાકિની રોતી અને સિસકતી તેના પિતાજીએ નક્કી કરેલા ધનવાન મુરતિયા સાથે કમને પરણી મુંબઈમાં વસી ગઈ.
જ્યારે મદાકિનીના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે પ્રણવ કુમારના ભગ્ન દિલમાં એક ટીસ ઉઠી. તે પોતાનું હદય હળવું કરવા એક ગઝલ લખવા બેઠા. બે શે’ર લખાયા. ત્રીજા શે’રનો એક મિસરો લખ્યા પછી તેમના દિલમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. જાણે તેમના દિલમાં લાગણીની સરવાણીઓ સુકાઈ ગઈ. તેમની લેખની બરફના ચોસલની જેમ થીજી ગઈ તે આગળ કઈ લખી ન શક્યા. તેમની સાહિત્ય યાત્રા ત્યાંજ અટકી ગઈ. તેથી તે ગઝલ અધૂરી જ રહી. મંદાકિનીના લગ્ન પછી તેમણે કદી મંદાકિનીનો હાલ જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો. આજે એકાએક તેમની પૌત્રીએ તેમની જૂની યાદો તાજી કરાવી તેથી એક ક્ષણ માટે તેમના દિલમાં મંદાકિનીની યાદ તાજી થઈ ગઈ હતી તેમ છતાં તેમને તે અધૂરી ગઝલ પૂરી કરવાની ઈચ્છા થઈ નહીં.
મંદાકિનીના લગ્ન પછી પ્રણવકુમારે પણ તેમના સમોવડિયા ખાનદાનની કુલિન યુવતી સાથે પ્રભુતામાં પગલાં માંડી ગૃહસ્થ જીવનની શરૂઆત કરી. તેમના પત્ની તેમના માટે એક માયાળું અને હમદર્દ હમસફર પુરવાર થયા. ચાલીસ વર્ષના સુખી લગ્નજીવન પછી તેમની જોડી ખંડિત થઈ. તેમની પત્નીનું એક વર્ષ અગાઉ અવસાન થઈ ગયું હતું. ભગવાનની મરજી ગણી તેમણે તે આંચકો પચાવી લીધો હતો.
મંદાકિનીના લગ્ન ભલે ધનવાન કુટુંબમાં થયા હતા પરંતુ તેમનું માનસિક કજોડું હતું. તે કદી મનથી પોતાના પતિની ન થઈ શકી. તેમની વચ્ચે હમેશાં મન મોટાવ રહેતો. તેમનો પતિ શુષ્ક ને વેવલો હતો. ફક્ત બે વર્ષના લગ્ન જીવન બાદ તે કાયમ માટે મુંબઈ છોડી પિયરમાં પરત ફરી. તેના સાસરીયાઓએ તેને સમજાવવા પ્રયત્ન કરી જોયા પરંતુ મંદાકિનીને હવે ફરીથી માનસિક યાતનામાં જોડાવું ન હતું માટે છેવટે સંમતિથી તેણે છૂટાછેડા લઈ લીધા. તેણે પ્રણવના લગ્ન થઈ ગયાનું જાણ્યું હતું. તેના લગ્ન જીવનમાં કોઈ બવન્ડર ઊભું ન થાય તે માટે તેણે કદી પ્રણવને મળવાનો પ્રયત્ન ન કર્યો. મંદાકિનીએ પુન: ભણવાનું શરૂ કરી સંગીત વિશારદની ઉપાધિ મેળવી લીધી અને નવોદિત કલાકારોને સંગીતનું શિક્ષણ આપવા “સરગમ” નામની એક સંસ્થા ઊભી કરી અને તે કાર્યમાં જોડાઈ ગઈ.
સુહાસિનીએ દાદાને કોઈ જવાબ ન આપ્યો પરંતુ તેને તે ગઝલ એટલી બધી પસંદ પડી હતી કે તે ગઝલના ‘મત્લા’ નો અને ત્યાર પછીના શે’રનો રોજ રિયાઝ કરવા માંડી. તે ગઝલ ખૂબ સરસ પ્રાસમાં અને શુધ્ધ છંદમાં લખાએલ હોવાથી ગાવામાં એકદમ સરળ હતી. સુહાસિનીના કેળવાએલા ગળામાં આ ગઝલ સરસ રીતે ગોઠવાઈ ગઈ તેથી તેને લાગ્યું કે જો આ ગઝલ પૂરી લખાઈ જાય તો રંગ રહી જાય.
સુહાસિની અત્યાર સુધી રિયાઝ કરી તૈયાર કરેલી ગઝલનું મુખડું તેને સંગીત શીખવતાં મેડમ સમક્ષ ગાઈ સાંભળવ્યું. મેડમ ખૂબ ખુશ થઈ ગયા. તેમણે કહ્યું “સુહાસિની તું આજ ગઝલ રજૂ કરજે. ખૂબ દર્દીલી ગઝલ છે. આપણે રોજ તેનો રિયાઝ કરી હજી વધુ સારી રીતે તૈયારી કરીશું. આપણા સંગીતકારોની ટીમને હું તેને ખૂબ સરસ રીતે સ્વરબધ્ધ કરવા કહીશ.”
સુહાસિનીએ મેડમને કહ્યું ”મેમ, આ ગઝલ ગાવામાં એક મોટી સમસ્યા ઊભી થઈ છે.”
મેડમ : “ કેમ ગઝલકાર તે ગાવાની મંજૂરી આપવા તૈયાર નથી ? જો એવું હોય તો હું તેમની મંજૂરી લઈ આપીશ તું બેફિકર રહેજે.“
સુહાસિની : “ ના મેમ, મંજૂરીનો પ્રશ્ન નથી પરંતુ ગઝલ અધૂરી છે. ગઝલના ફકત બે શે’ર અને એક મિસરો જ લખેલો છે.” કહી સુહાસિનીએ પ્રણવ દાદાની ડાયરી મેડમ સમક્ષ ધરી.
સુહાસિનીએ ધરેલી ડાયરી જોઈ મેડમના મોઢામાંથી એક સિસકારો નીકળી ગયો. તેમની નસોમાં લોહીની રફતાર વધી ગઈ. તેમના દિલની ધડકનો તેજ થઈ ગઈ. તેમની આંખોમાં ભીનાશ તરવરી ઊઠી. તેમણે આંખો બંધ કરી દીધી. અનાયાસે તેમણે તે ડાયરી પોતાની છાતી સરસી ચોંપી દીધી. બે મિનિટ પછી આંખો ખોલી મેડમ બોલ્યા “ સુહાસિની તું પ્રણવની આઈ મીન પ્રણવ કુમારની પૌત્રી છે ?”
સુહાસિની ફકત “હા” કહી ચૂપ થઈ ગઈ. મેડમના કહ્યા વિના તે બધુ જ સમજી ગઈ હતી. મેડમે પ્રણવકુમાર દ્વારા રચેલી અધૂરી ગઝલનું નિશાની કરેલું પાનું ખોલી તે ગઝલ બે ત્રણ વાર વાંચી. ગઝલના મથાળે લખેલી તારીખ જોઈ તે સમજી ગઈ કે પ્રણવે તેના લગ્નના ગમને ભૂલવા માટે આ ગઝલ રચી હશે પરંતુ ભાવનાઓમાં વહી જવાના કારણે તે આગળ લખી શક્યા નહિ હોય.
મેડમ બોલ્યા “ સુહાસિની તારે આ જ ગઝલ રજૂ કરવાની છે. આ ગઝલ હું પૂરી કરીશ. હું તને કાલે પૂરી ગઝલ આપીશ પણ મારી એક શરત છે કે તારે આ વાત તારા દાદા ને કરવાની નથી. આપણે તેમને સુખદ આંચકો આપીશું.”
મેડમે બીજા દિવસે પ્રણવકુમારની અધૂરી ગઝલ પૂર્ણ કરી સુહાસિનીને આપી અને સંગીતકારોની ટીમને તે ગઝલને સુંદર રીતે સંગીતમાં ઢાળવા વિનંતી કરી. મેડમ જાતે સુહાસિની સાથે બેસી ગઝલનો રિયાઝ કરાવી ખૂબ સરસ રીતે કંઠસ્થ કરવી લીધી.
આખરે સંગીત પીરસવાનો દિવસ આવી પહોચ્યો. સુહાસિની આગ્રહ કરી તેના માતા પિતા અને દાદા પ્રણવકુમારને કાર્યક્રમમાં હાજરી આપવા લઈ આવી. ઓડિટોરિયમ શ્રોતાઓથી ભરચક હતું. કાર્યક્રમમાં એક પછી એક સંગીતની વિવિધ વાનગીઓ પીરસતી ગઈ. સૌ શ્રોતા મંત્રમુગ્ધ થઈ નવોદિત કલાકારો દ્વારા પીરસાતા સંગીતની મજા લૂંટતા રહ્યા. આજના કાર્યક્રમની છેલ્લી ગઝલ સુહાસિની દ્વારા રજૂ કરવાની હતી. સુહાસિની સ્ટેજ પર આવી હાથમાં વિણા લઈ બેસી ગઈ. આ તેનો પ્રથમ સ્ટેજ શો હતો. તેણે ગઝલની શરૂઆત કરતાં પહેલાં એક નજર ઓડિટોરિયમમાં પ્રથમ હરોળમાં બેઠેલા તેના દાદા પ્રણવકુમાર સામે નાખી. પ્રણવ કુમારે દૂરથી હાથ ઊંચા કરી તેને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ તેણે એક નજર સ્ટેજ પર તેને સંગત આપવા વિણા લઈ બિરાજમાન તેમના ગુરુ મેડમ પર નાખી. તેમણે સુહાસિની તરફ હાસ્ય વેરી તેને હિમ્મત આપી.
સુહાસિનીએ શ્રોતાઓને કહ્યું “ હું આજે આપની સમક્ષ એક એવી ગઝલ પેશ કરવા જઇ રહી છું જે આજ દિન સુધી કોઈ વાંચક દ્વારા વંચાઇ નથી કે કોઈ ગઝલ ગાયકે હજુ સુધી ગાઈ નથી. આ ગઝલના રચયતા કોઈ નામી ગઝલકાર નથી. આજથી લગભગ બેતાળીશ વર્ષ પહેલાં ગઝલકારે કોઈકના વિરહમાં ગઝલ લખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિરહ વેદનાએ તેમના હદયની સરવાણીઓને થિજવી દીધી હતી. તેથી તે ગઝલ હજુ સુધી અધૂરી પડી હતી. જેના માટે લખાએલી હતી તે વ્યક્તિએ જ્યારે તે અધૂરી ગઝલ બેતાળીશ વર્ષ પછી વાંચી ત્યારે તેમના હદયના તાર ઝંકૃત થઈ ઉઠ્યા એટલે તેમણે મૂળ રચયતાની મંજૂરી વિના તે અધૂરી ગઝલ પૂરી કરી છે. આ ગઝલના બંને રચયતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે પરંતુ હું તેમના નામ નહીં આપું, માટે મને તેમના નામ ન પૂછવા વિનંતી છે. હું અધૂરી ગઝલ પૂરી કરનારનો આભાર માની તેમના વતી ગઝલના મૂળ રચયતાની માફી માગું છુ અને તેમની મંજૂરીની અપેક્ષાએ તે ગઝલ આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આપ જ્યારે આ ગઝલ સાંભળો ત્યારે તેના શબ્દોને ધ્યાનથી સાંભળજો. આપને ક્યાંય એવું નહીં લાગે કે આ ગઝલ બે ગઝલકારો દ્વારા રચાઇ છે કેમકે આ ગઝલ બે પ્રેમીઓના દિલમાં વર્ષો સુધી થીજી જઈને સુષુપ્ત આવસ્થામાં રહેલા અસીમ પ્રેમનું શબ્દો રૂપી ઝરણું છે.”
પ્રણવકુમાર સુહાસિનીની વાત સાંભળી વિહવળ થઈ ગયા. તેમની નજર મંદાકિનીને જોવા માટે ઉત્સુક થઈ ગઈ. તેમણે આજુ બાજુ નજર નાખી પરંતુ મંદાકિની ક્યાંય નજરે ન પડી તે દરમ્યાન સુહાસિનીએ ગઝલ ગાવાની શરૂઆત કરી દીધી. પ્રણવકુમાર તલ્લીનતાથી ગઝલના શબ્દોને સાંભળી રહ્યા હતા. ત્રીજા શે’રનો બીજો મિસરો સુહાસિનીએ બે વાર ગાયો. પ્રણવકુમારના મોઢામાંથી વાહ વાહ નીકળી ગઈ. તેમના દિલમાં ગઝલ લખતી વખતે જે ભાવના હતી તેનો હૂબહુ પડઘો મંદાકિનીએ તે પક્તિમાં પાડ્યો હતો. તેના પછીના બે શે’ર પણ લાજવાબ હતા. સુહાસિનીએ ગઝલ પૂરી કરી. લોકોએ ઊભા થઈ સુહાસિનીની ગઝલ ગાયકીને વધાવી લીધી. બે મિનિટ સુધી સતત તાળીઓના ગડગડાટથી આખું ઓડિટોરિયમ ગુંજતું રહ્યું.
સુહાસિનીએ સ્ટેજ પરથી નીચે આવી તેના દાદા અને માતા પિતાના આશીર્વાદ લીધા. તે તેના દાદને ઓડિટોરિયમના પાછળના ભાગમાં લઈ ગઈ. મંદાકિનીબેને પ્રણવકુમારના ચરણોની રજ લઈ તેમના માથાના સેંથામાં પૂરી. પ્રણવ કુમારે “મંદા...” કહી મંદાકિનીબેનને તેમની છાતીએ ચાંપી દીધા. બંને પ્રેમીઓની આંખોમાંથી વહેતી આંસુની અવિરતધારાની એક માત્ર સાક્ષી સુહાસિનીએ થોડીવાર પછી દાદાને લઈ ઘર તરફ પ્રયાણ કર્યું.