Leena Vachhrajani

Thriller

3  

Leena Vachhrajani

Thriller

અબૂધ

અબૂધ

2 mins
258


હેલ્થ મિનિસ્ટર રામચંદરને જે ડર હતો એ જ થયું. 

આવડા મોટા હોદ્દેદારની પત્નીનો તો કેટલો વટ હોય! પણ નસીબ જ વાંકાં છે તે કાજલ જેવી સાવ સાદી, કોઈ સોફિસ્ટીકેશન આવડે જ નહીં એવી અબૂધ, ગમાર પત્ની મળી. 

સભા બરખાસ્ત કરીને ઘેર આવીને કાજલ પર ગુસ્સો ઉતાર્યો. 

"મોટા મોટા વી.આઇ.પી. પાર્ટીમાં આવ્યા હતા. આ તારી એટીકેટ કહેવાય? મારા માટે ઇલેક્શન પહેલાંની કેટલી અગત્યની મિટીંગ હતી! અકક્લ ન ચાલી? બીજા વી.આઈ.પી.ઓની પત્નીઓ જો. પતિની જીત માટે ગમે તે હદ સુધી જાય છે. જાહેર સભાઓમાં પચાસ ટકા પબ્લિક તો અપ ટુ ડેટ, સ્ટાઈલિશ નેતાપત્નીઓને જોવા,મળવા, એમની સાથે હાથ મિલાવવા, ફોટા પડાવવા જ આવતી હોય છે.” 

“તમને તો ખબર છે કે મારી તબિયત સારી નથી. હમણાંજ તો એબોર્શન..”

હજી આગળ બોલે એ પહેલાં જ પતિએ છણકો કરીને અટકાવી દીધી.

”ખબર છે હવે. ”

કાજલે મુંગા મુંગા જ્યુસનો ગ્લાસ આપ્યો.

"કેમ મુંગીમંતર બની ગઈ છો? હેલ્થમિનિસ્ટરની પત્ની છો. જરા એટીટ્યુડ સુધાર. અબૂધ જ રહી.”

"હું પ્રયત્ન કરીશ."

"હમણાં બે-ચાર દિવસ તો તારી તબિયતને લીધે ઇલેક્શનમિટીંગમાં નહીં લઈ જાઉં પણ બાળવિષય પર તારાં ભાષણ મને મત ખેંચી લાવવામાં બહુ મદદ કરે છે એટલે જલ્દી ઊભી થઈ જજે. બહુ પાંપલાવેડા મને પોષાય નહીં. સમજી?"

“હા.”

એકાક્ષરી જવાબ આપીને કાજલ મૌન થઈ ગઈ. પણ હ્રદયમાં છેલ્લા કેટલાય વખતથી સુષુપ્ત રહેલો આક્રોશ અને અપમાનનો જ્વાળામુખી હવે ફાટું ફાટું થઈ રહ્યો હતો. 

બીજા અઠવાડિયે ચૂંટણી પ્રચારમાં રામચંદરજી ફરી જનતાને સંબોધન કરવા નીકળ્યા. આ વખતે પત્ની પણ સાથે હતી. 

ઔપચારિક સંબોધન બાદ કાજલને માઇક સોંપાયું.

ધારદાર નજરે પતિ સમક્ષ જોઈને એણે એવું જ ખૂંખાર ભાષણ ચાલુ કર્યું.

" પ્રિય નગરજનો,

બહુ અફસોસની વાત છે કે દર વખતે ચૂંટણી પ્રચારમાં હું આવું છું. પછી નેતાજીની જીત બાદ એ આપેલાં વચનોને મારા પાલવમાં લપેટીને હું ક્યાં ગાયબ થઈ જાઉં છું એ તમારામાંથી કોઈને વિચાર કેમ નથી આવતો? 

શું તમને જાણ છે કે સમગ્ર દેશની હેલ્થની ફિકર એક એવા માણસને સોંપવામાં આવી છે જેને પોતાની પત્નીની પણ પરવા નથી. મારું હમણાં જ એબોર્શન કરાવવામાં આવ્યું કારણકે ગર્ભમાં દીકરી હતી. આવા માણસને તમારા દેશની તંદુરસ્તીનો હવાલો આપતાં પહેલાં સો વાર વિચારજો.

મારા પપ્પાએ કાંઈ વિચાર્યા વગર નર્યા દંભ સાથે જીવતા આ માણસના ખુંટે મને બાંધી દીધી. પણ જનતા જરુર વિચારે."

હકડેઠઠ ભીડમાં સોપો પડી ગયો. જનતાની આંખમાં વિદ્રોહ સળવળતો જણાતો હતો. 

અને....

કાજલની નજર સામે પેલી સાત વર્ષની કાજલની તૂટી ગયેલી ઢીંગલી માટે ટપકતી, નિ:સહાય આંખ તાદ્રશ્ય થઈ. 

જાણે નેતા પતિને મૌન સંવાદ કરી રહી હતી,

“મેં ઢીંગલી ખોઈ ત્યારે સાત વર્ષની અબૂધ હતી. હવે નથી.

હા, હું અબૂધ નથી જ..”

કાજલ સડસડાટ સ્ટેજ પરથી ઉતરીને ચાલી ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Thriller