Minaxi Rathod "ઝીલ"

Drama Crime Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Drama Crime Inspirational

અબુધ - 2

અબુધ - 2

3 mins
262


આગળના ભાગમાં આપણે જોયું કે જીવન જ્યોત નારી સંરક્ષણ ગૃહમાં એક ગાંડી સ્ત્રીને લાવવામાં આવી. મહિલા કોન્સ્ટેબલ દ્વારા જ્યાં સુધી આગળની કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેને ત્યાં જ રાખવાનું કહેવામાં આવ્યું સુજાતા બહેને તેમની સાથે કામ કરતી બહેનો ને તેને સમજાવી લઈ જવા ઈશારો કર્યો અને એટલામાં ફોનની ઘંટડી રણકી...

હવે આગળ....

સુજાતાબહેન ફોન ઉપાડે છે હલો..

સામેથી મહિલા કોન્સ્ટેબલનો અવાજ આવે છે કે આવતીકાલે તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાની હોવાથી અગિયાર કલાકે તેને તૈયાર રાખજો ગાડી લેવા આવશે કદાચ તેને મેન્ટલ હોસ્પિટલ પણ મોકલવી પડે સુજાતાબહેને હા બોલી ફોન મૂક્યો તેઓ થોડા ચિંતાતુર પણ જણાઈ રહ્યા હતા.

પોલીસ કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ હતી. સમાચાર પત્રોમાં પણ તેના ફોટા સાથે સમાચાર આપી દેવામાં આવ્યા જેથી લાગતાં, વળગતાં કે ઓળખીતા કોઈ હોય તો તેમને તેનો કબ્જો સોંપી શકાય.

જ્યાંથી એ સ્ત્રી મળી હતી તે જગ્યાએ જઈ પોલીસે આજુબાજુની દુકાનો અને તે ચ્હાની લારી તથા આવતાં-જતાં લોકોને તેના વિશે પૂછપરછ કરી પણ કોઈ સુરાગ મળ્યો નહીં. છેવટે પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લેવાનું વિચાર્યું અને તે એરિયામાં જેટલા પણ સીસીટીવી કેમેરા હતા તે બધાના ફૂટેજ મંગાવી ચેક કરવાની કામગીરી હાથ ધરી.

બીજા દિવસે તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવા પોલીસ ગાડી આવી. મેડિકલ ચેકઅપમાં જણાવ્યા મુજબ તેને સાતમો મહિનો ચાલી રહ્યો હતો. તેના મગજની પરિસ્થિતિ જોતા તેને આરામની સખત જરૂર હતી. તેને કોઈપણ પ્રકારની તાણ અનુભવ ના થાય તે માટે પૂરતી કાળજી રાખવા જણાવવામાં આવ્યું. અને ગાડી હોસ્પિટલથી જીવન જ્યોત નારી સંરક્ષણ ગૃહ તરફ જવા રવાના થઈ.

ગાડી તેની ગતિએ આગળ વધી રહી હતી. તે સ્ત્રીની નજર ગાડીના કાચની બહાર જોવામાં સ્થિર હતી અને ગભરાયેલી તેણે એકાએક હાથ ઊંચો કરી આંગળીના ઈશારે કંઈક બતાવ્યું. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યા અને તે કોઈને જોઈને ઈશારો કરી રહી હતી. ગાડી ઊભી રહી પણ પછી તે એટલી બેસૂધ બની ગઈ કે ગાડીમાં જ ઢળી પડી એ શું કહેવા માંગતી હતી ? અને શું બતાવતી હતી ? પણ મહિલા કોન્સ્ટેબલએ તે જે દિશામાં હાથ કરી બતાવતી હતી તે દિશામાં વિડીયોગ્રાફી ઉતારી ફોટા પાડી લીધા. અને ગાડી જીવન જ્યોત નારી સંરક્ષણ ગૃહ આગળ આવી ઊભી રહી તેને નીચે ઉતારી અંદર લઈ જવામાં આવી.

આરામ કર્યા બાદ તેને સ્વસ્થ થતી જોઈ સુજાતાબહેન એ તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું. તે બેઠી હતી ત્યાં સુજાતાબહેન ગયા અને વહાલથી તેના માથે હાથ ફેરવી વાતચીત કરવાની શરૂઆત કરી પણ એતો શૂન્યમનસ્ક બની નીચી નજરે ધરતીનેજ તાકી રહી હતી. તેણે સુજાતાબહેન આ એક પણ સવાલનો જવાબ ન આપ્યો તે ઘડીકમાં હસતી તો ઘડીકમાં રડતી હતી, અને ઘડીકમાં સુજાતા બહેન સામે એકીટસે જોઈ રહેતી હતી. એને જોઈને સુજાતા બહેનને એવું થતું કે જાણે એની અંદર કંઈ કેટલીયે યાતનાઓનો સમુંદર હિલ્લોળા લઈ રહ્યો હતો. 

આજ સાત દિવસ થયા પણ એનો અવાજ કોઈએ સાંભળ્યો નહોતો તેની આ સ્થિતિ જોતાં સુજાતાબહેન ખૂબ અકળાઈ ઊઠતાં હતા હાય રે....આ સ્ત્રીનો અવતાર એને જ બધું ભોગવવાનું ? એમ કહીને એમણે ઊંડો નિસાસો નાખ્યું અને બહેનોને તેને અંદર લઈ જવા કહ્યું એમને થયું કે લાવ પોલીસ સ્ટેશન ફોન કરી સમાચાર તો લઉં કે કાર્યવાહી કેટલે પહોંચી અને એટલામાં જ પોલીસની ગાડી જીવન જ્યોત આગળ આવી ઊભી રહી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama