આત્મ ખોજ
આત્મ ખોજ


“જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી” કવિ કલાપીની પંક્તિને યાદ અપાવતી ઋષિકેશની હોનારતથી દેશ આખો સ્તબ્ધ થઈ ગયો. મા ગંગાની આટલી નારાજગી કોઈ વિચારી જ કેમ શકે ! દેશની જીવાદોરી યમદૂત બની. હિમાલયના પ્રવેશદ્વાર ઋષિકેશને ગંગાના ધસમસતાં પ્રવાહે હતું ન હતું કરી નાંખ્યું.
"હજી કેટલું દૂર છે? માઈલ સ્ટોન કશે દેખાતા નથી." સરકારી જીપ ડચકાં લેતી પર્વતીય રસ્તા પર અનિચ્છાએ આગળ વધી રહી હતી. તેમાં સવાર સરકારી અધિકારીઓ અને સાથે હતાં ઋષિકેશની ધરતીને રજેરજને જાણતા યોગી રામજી.
યોગી રામજી ‘આનંદ’ આશ્રમનાં સર્વેસર્વા. વિધાતાએ તેમની આયુષ્યરેખા લાંબી ખેંચી હશે એટલે તેઓ કામ માટે દિલ્હી ગયા અને મા ગંગાના પ્રકોપથી બચી ગયા. તેમનો ‘આનંદ’ આશ્રમ સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગયો. ફક્ત આશ્રમ જ નહીં પણ તેમના ગુરુ આનંદને પણ ગંગાએ પોતાનામાં સમાવી દીધા. ગુરુ આનંદ શાસ્ત્રોક્ત જ્ઞાનના મહારથી. મૂર્તિપૂજાને બદલે માનવસેવા અને પ્રકૃતિપૂજાનું મહત્વ સમજાવવી તેમના સાનિધ્યમાં આવનાર દરેક જીવનો ઉદ્ધાર કરવા કટિબદ્ધ રહેતા. ગંગાને કિનારે આવેલા તેમના શાંત અને હરિયાળા આશ્રમમાં વહેલી સવારે ઘાસ પર પથરાયેલા ઝાકળબિંદુઓના સ્પર્શને માણવા દરેક ઉંમરના લોકો આશ્રમની મુલાકાત લેતાં અને થોડાં દિવસો તેમનું સાનિધ્ય અચૂક માણતા.
આજે એ વિસ્તારમાં ફરી માનવતાની ધૂણી ધખાવી ઋષિકેશને ફરી સજીવન કરવા સરકારી તંત્રે યોગી આનંદના ચેલા યોગી રામજીનો સંપર્ક કર્યો.
"બાબા કુછ દે દે " કરતાં નાના બાળકે હાથ લંબાવ્યો ત્યારેં ખબર પડી કે ગાડી ઋષિકેશ શહેરમાં પ્રવેશી ચૂકી છે. ચારેકોર હરિધૂન, ધૂપની સુગંધની જગ્યાએ ગંધાતી સડેલી લાશોના ઢગલા જોઈ યોગી રામજીની આંખો ભીની થઇ ગઈ. ત્યાં જ દૂરથી એક ખંડેર જોતા યોગી રામજી સીટ પરથી ઉછળી પડ્યા,"આ મારુ મંદિર, કર્મસ્થાન." ગાડી ખંડેર આગળ આવી ઉભી કે તેઓ આશ્રમના અવશેષ તરફ તરફ દોડ્યા.
સરકારી અધિકારીઓ તબાહી જોઈ સ્તબ્ધ થઈ ગયાં. શરૂઆત ક્યાંથી કરવી? મથામણ કરતાં હતાં ત્યાં જ,"સાહેબ તમે આજે આરામ કરો. કાલથી કામ શરુ કરીશું. આજે હું મારા ગુરુનાં સાનિધ્યમાં રહેવા ઈચ્છું છું." કહી યોગી રામજી નહિવત સમાન બાજુ પર મૂકી આજુબાજુની જગ્યા સાફ કરવા માંડ્યા.
યોગી રામજી રોજની જેમ સવારે ઊઠી સીધા મા ગંગાનાં દર્શને દોડ્યાં. દૈનિક ક્રિયા પતાવી, “નવસર્જન માટે ભેગા થનાર સૌને શક્તિ આપે” એવી ભગવાનને પ્રાર્થના કરી. યોગી રામજી ગીતાજીને થેલીમાં મૂકવા જતા હતા ત્યાં જ એક બાલકૃષ્ણનો ફોટો થેલીના કોઈ ખૂણામાંથી અચાનક સામે આવ્યો. યોગીએ આંખો એક મટકું મારી ખોલી, ને આવ્યું વિચારોનું ઘોડાપુર, તણાયા વર્ષો પાછળ.....
"સ્વામીજી મને નથી જીવવું. હું ખૂની છું. હું એક જીવના મરણ માટે જવાબદાર છું". એક સશક્ત વ્યક્તિ હાથની નસ કાપી જીવન ટૂંકાવવાની કોશિશ કરતો હતો ત્યારે બે માણસો તેને જબરજસ્તી સ્વામી આનંદ પાસે લઈ આવ્યા. સ્વામીજીના ઈશારે બધા તેને એકલો છોડી જતા રહ્યાં. કેટલી વાર સુધી તે એકદમ ચૂપ રહ્યો. હુંફાળું વાતારવણ ઉભું થતાં તેની વાચા ખુલી.
હું રામજી શેરપો. વર્ષોથી ઋષિકેશથી યાત્રાળુઓને ચારધામ યાત્રા કરાવું છું. રોજી પ્રત્યે નિષ્ઠાવાન છું. પાંચ દિવસ પહેલા મારી લિન્કના દિલ્હીની હોટલના મેનેજરે કહ્યું કે, એક બેન એકલા આવે છે. તેમને વિશ્વાસુ અને સારો ગાઈડ કમ શેરપા શોધી આપજે. મને બીજા કોઈને મોકલવાનું યોગ્ય ન લાગતા મેં જ જવાનું નક્કી કર્યું.
ઋષિકેશની હોટલમાં પહોંચી પેલા બેન વિશે સામાન્ય વિગત જાણી. મને થયું એક વખત તેમને મળી આવું.
"ૐ નમઃ શિવાય બોહનજી" દરવાજો ખુલતાં હું બોલ્યો.
"જય શ્રી ક્રિષ્ણા. મારું નામ મીરા.” કરીને તે બેન બબડ્યાં.
"આજે મારે તમને ઋષિકેશ-દર્શન કરાવવાના છે. ત્રણ વાગ્યે તૈયાર રહેજો", કહી હું મારા રૂમમાં ગયો.
"ઋષિકેશ એટલે હિમાલયનું પ્રવેશદ્વાર અને વિશ્વ કક્ષાનું યોગા-મેડિટેશન સેન્ટર. આખી દુનિયામાંથી વિદ્વાનો અહીં જ્ઞાન મેળવવા અને આત્મખોજ માટે આવે છે. એટલે જ કદાચ ચાર ધામ યાત્રા નીકળતા પહેલા અહીં આવી, મા ગંગા નદીમાં સ્નાન કરી, માત્ર પાપ જ નહીં પણ અહંકાર અને દ્વેષભાવ ધોઈને આગળ વધવાનું હશે." ચાવી આપતા રમકડું કેવું કૂદીને દોડવા લાગે તેમ ટેક્ષીમાં બેઠા કે તરત મેં બોલવાનું શરુ કરી દીધું.
"ભારતની સંસ્કૃતિના અમર રામ-કૃષ્ણ બંનેના પગલાં પડ્યા છે બેન અહીં. આ પવિત્ર ભૂમિ પર તો નસીબદારને જ આવવાનું સૌભાગ્ય સાંપડે." હું મીરાબેનને રસ પડે કે ન પડે બોલ્યે જતો હતો.
"આ છે સ્વર્ગ આશ્રમ. આશ્રમની પાછળ ટેકરી છે તેની ઉપર નીલકંઠ મહાદેવનું મંદિર છે." મને કોઈ પ્રતિભાવ ન મળ્યો. છેવટે મેં કંટાળીને પૂછ્યું ,"બહેનજી તમારે ક્યાં જવું છે?"
મીરાબેને કહ્યું, "ત્રિવેણી ઘાટ પર આરતી પહેલા પહોંચવાનું છે."
આરતી પતાવી “આપણે કાલે કેદારનાથ જવા નીક્ળીશુ”, કહી હું મારી રૂમ પર આવી ગયો.
સવારે ટેક્ષી લઈને તેમની હોટલે પહોંચ્યો. ભગવાનનાં દ્વાર સુધી પહોંચાડવામાં થાકેલા, વાંકા-ચુંકા, ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલતી અમારી ટેક્ષી હાલક-ડોલક થતી હતી. રસ્તાની એક બાજુ પહાડ તો બીજી બાજુ નદી જરાપણ સાથ છોડ્યા વગર વહેતી હતી. પહાડો પરથી આવતાં ઝરણાંઓ રસ્તો કૂદીને નદીને મળવા દોડતા હતા. વચ્ચે થોડો થોડો વરસાદ વરસી જતો હતો. થોડા દિવસો પહેલા અહીં ભયંકર વરસાદ પડી ગયો હતો એટલે રસ્તાઓ પર મોટી ભેખડો ધસી આવી હતી. ગૌરીકુંડ સુધી પહોંચતા મીરાબેન થાકી ગયા હતા. ગૌરીકુંડમાં ટેક્ષી છોડી રજીસ્ટ્રેશન કરાવી, થોડો આરામ કરી રામવાડા જવા નીકળ્યા. મીરાબેન ઘોડાપર અને હું મારી મસ્તીમા ચાલતો હતો. રસ્તામાં મીરાબેન મારી સાથે થોડા હળવા થવા લાગ્યાં.
ઝરમર વરસાદ શરુ થયો એટલે મેં મીરાબેનને રેનકોટ પહેરી દેવા જણાવ્યું. ઘોડાવાળો તો એની મસ્તીમાં ગણગણતો ચાલતો હતો. ઠંડો પવન વાતો હતો સાથે થાક પણ હતો એટલે મને ડર લાગતો હતો કે મીરાબેનને ઊંઘ ન આવી જાય. ઘોડાનાં હણહણાટે હું ચોંકયો. કોઈ અમંગળ થવાનું હોય ત્યારે કુદરત અને મુંગા જાનવર જલદી સમજી જાય છે. વરસાદનું જોર થોડું વધ્યું. મેં ઘોડાવાળાને હજી ધીમે ચાલવાનો આદેશ આપ્યો. જોકે બધા જ ધીમા પડી ગયા હતા. થોડું આગળ વઘ્યાં તો એક જગ્યાએ છત્રી અને રેનકોટથી ઢંકાયેલું ટોળું જોયું. ઘોડાવાળાએ મીરાબેનને નીચે ઉતારી દીધાં અને બાજુ પર ઉભા રહેવા જણાવ્યું. મેં એક સ્થાનિકને પૂછ્યું. તેણે આંગળી ચીંધી ઉપર જોવા જણાવ્યું. ઓહ! પર્વત પરથી આવતા એક નાનકડા ઝરણાએ મોટી નદીનું રૂપ ધારણ કરી લીધું હતું. નદીમાં પાણીનું સ્તર પણ વધવાથી તટ પહોળો બન્યો હતો. મેં જોયું મીરાબેન બાલકૃષ્ણનો ફોટો કાઢી પ્રાર્થના કરી રહ્યા હતાં.
કોઈ આગળ ન વધે તે માટે પોલીસનો કાફલો પહોંચી ગયો. દસ પોલીસો ઝરણાની બંને બાજુ ગોઠવાઈ ગયા. જ્યાં સુધી આ પાણીનો પ્રવાહ ધીમો ન પડે ત્યાં સુધી બધાને ફરજીયાત અહીં જ રોકવાનો આદેશ હતો. છ કલાકે વરસાદ ધીમો થયો. બધાએ હાશકારો લીધો. છ કલાક સુધી અવિશ્રામ, અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે મીરાબેન તો શું અમે કાયમ જવાવાળા પણ ખુબ કંટાળી ગયા હતા. પોલીસના આદેશ અને ત્યાંના લોકલ માણસની સલાહ લેવાયા પછી જ આવનજાવન ચાલુ કરવાની લીલી ઝંડી આપવામાં આવી. ઉતાવળે સમાન ભેગો કરતા બાલકૃષ્ણનો ફોટો નીચે પડી ગયો. લઈને મેં મારા ખીસામાં મૂકી દીધો. અમારી આગળ લાંબી લાઈન હતી. ઘોડાવાળા યાત્રીઓને ઝરણું ઓળંગીને સામે ગયા પછી ઘોડા પર સવાર થવાનું કહ્યું.
પચીસ-ત્રીસ ઘોડાવાળા અને ચાલીને જનારા યાત્રીઓ સહેલાઈથી ઝરણાંને ઓળંગી આગળ નીકળ્યા એટલે બધાને હિંમત આવી. એમાં અમારી પરગજુ શેરપાની જાત એટલે હું બધાને હાથ પકડી ઝરણાંના પ્રવાહને ઓળંગવામાં મદદ કરવા લાગ્યો.
હવે અમને મોડું થતું હતું એટલે મેં મીરાબેનનો હાથ પકડીને કહ્યું, "માજી તમે જરાપણ ન ગભરાઓ, મને તમારો દિકરો સમજી મારા ખભે હાથ મુકી દો. મારી પાછળ ચાલો હું તમને ઝરણું ઓળંગાવી દઈશ."
મારા કહેવા પ્રમાણે તેમણે મારા ખભે હાથ મૂક્યા. ધીમે ધીમે કરતા પાણીને કાપતા અમે બંને આગળ વધી રહ્યા હતા. મારું ધ્યાન મીરાબેનના પગ ઉપર હતું કારણકે રસ્તો ચીકણો હતો એટલે એક એક પથ્થર ગોઠવતો તેમને સાચવીને લઈ જઈ રહ્યો હતો.
"બચાવો.. બચાવો "ની મીરાબેનની બૂમો સંભળાઈ ત્યારે હું એ વાતે સભાન થયો કે મારું ધ્યાન પગથી પથ્થર ખસેડવામાં રહ્યું તેમાં હાથની પકડ ઢીલી થઈ અને મીરાબેન ઝરણાંના સંગાથે વહેવા માંડ્યા હતા. પહાડની ટોચે આવેલું તળાવ ફાટતાં ગાંડા હાથીની જેમ આવેલા વહેણમાં તેઓ દેખાતા બંધ થઈ ગયાં. તેમને બચાવવા નીચે કૂદવાની પણ મેં તૈયારી બતાવી પણ સ્થાનિક લોકોએ,"રિસાયેલી કુદરતની અડફેટે આવેલું કોઈ બચી શક્યું છે? એમાં તારો ક્યાં વાંક છે? જેટલું જેનું આયુષ્ય. તું કેમ મરવા જાય છે." કહી મને અટકાવ્યો.
હું મીરાબેનને ન બચાવી શક્યાનો કલ્પાંત કરવા લાગ્યો, "હું હત્યારો છું. મને સજા મળવી જ જોઈએ. હું મારુ જીવન ટૂંકાવી દેવા માંગુ છું."
ત્યાં હાજર મને સમજાવવા કોશિશ કરતા લોકોએ કહ્યું," જીવતો રહીશ તો પ્રાયશ્ચિત કરીશ ને! તું મરવાની વાત છોડી, ઋષિકેશમાં ઘણા આશ્રમ આવ્યા છે ત્યાં જઈ લોકોની સેવા કર."
આખી ઘટના નજર સામેથી વહી ગઈ ને યોગી રામજીની આંખો પેલા ઝરણાની જેમ જ જોરથી વહેવા માંડી.
બસ તે દિવસથી આ શેરપો આનંદ સ્વામીના આશ્રમમાં જ રહ્યો. યોગી રામજીના નામે ઓળખાતો થયો. કર્મ અને ધર્મના સિધ્ધાંતો પર સ્થાપિત આશ્રમનું એ એક અવિભાજ્ય અંગ બની રહ્યો. મીરાબેનના મૃત્યુંના પ્રાયશ્ચિત કરતા, તેને લોકોની અને પ્રકૃતિની સેવા કરવાની ગમવા માંડી, એમાં જ જીવન પરોવી દીધું.
ત્યાં જ સરકારી જીપની ઘરઘરાટી સંભળાઈ.
"સ્વામીજી અમે એવું નક્કી કર્યું છે કે શરૂઆત તમારા આશ્રમના સમારકામથી કરીએ. પછી બીજું વિચારીશું. અને આમેય તમારા આશ્રમનું કાર્યરત થશે પછી અમારી જરૂર પણ ક્યાં રહેશે?", મુખ્ય અધિકારીનો અવાજ સાંભળી યોગી રામજી નવી ઇનિંગ માટે તૈયાર થઈ ગયાં.