Pallavi Gohel

Tragedy Classics

4.7  

Pallavi Gohel

Tragedy Classics

આશાનો દીપ

આશાનો દીપ

2 mins
267


કજરી અને કરસન જાતે પછાત, મજૂરી કરી જીવનનું ગાડું ગબડાવી રહ્યાં હતાં. ઈશ્વર કૃપાથી કજરીને સારા દિવસો બેઠાં. કજરી અને કરસનનાં દાંપત્યજીવનમાં અનેરો આનંદ વ્યાપી ગયો.  બંને જણ પોતાનાં આવનાર સંતાનનાં સારાં ભવિષ્યનાં સપનાં જોવાં લાગ્યાં હતાં. 

જોતજોતામાં નવ માસ વિતી ગયાં અને કજરીએ એક સુંદર, સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો. બંનેએ પોતાનાં દીકરાનું નામ 'દીપ' રાખ્યું, કરસનને આ નામ અતિ પ્રિય તે હંમેશા કહેતો, "આપણો દીકરો દીપ આપડું નામ દીપાવશે, આપણાં સપનાં એ પૂરાં કરશે. ભણીગણીને મોટાં હોદ્દા પર બેસસે".

સમય પાંખ ફફડાવી ક્યાંય દૂર સુધી ચાલી ગયો, આંખનાં પલકારાએ જાણે દીપ મોટો થયો, બારમાં ધોરણમાં ખૂબ સારી ટકાવારી સાથે એ પાસ થયો તેથી તેને શહેરની નામાંકિત કોલેજમાં કમ્પ્યુટર એન્જિનિયર વિભાગમાં સરળતાથી એડમિશન પણ મળી ગયું. દીકરાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે કજરી અને કરસન રાત દિવસ એક કરી કાળી મજૂરી કરીને દીપને ભણતર માટેની તમામ આધુનિક સુવિધાઓ આપવામાં પાછા નહોતાં પડતાં. બંને બસ એમ જ વિચારતાં આ સંઘર્ષનાં દિવસોને આપડો દીકરો સો સુખમાં ફેરવી દેશે.

દીપને પોતાનાં છેલ્લા સેમેસ્ટરનાં અંતે કોલેજમાં આવેલ અનેક ઉંચી કંપનીઓ દ્વારા આયોજિત કેમ્પનાં આધારે પોતાનાં શ્રેષ્ઠ પ્રદર્શન અને સફળ ઈન્ટરવ્યુ થકી અમેરિકાની એક કંપનીમાં ખૂબજ મોટી પોસ્ટ પર નોકરી મળી ગઈ, મહિને અઢી લાખ પગાર સાથે. આ ખુશ ખબર સાંભળીને કજરી અને કરસનનાં તો હોશ જ ઉડી ગયાં અને બંનેની આંખોમાંથી અનરાધાર અશ્રૃઓની હેલી વહી પડી.

સમયની સાથે દીપે ઊંચી ઉડાન ભરી. દેશમાં માતા પિતા માટે ખૂબજ સુંદર બંગલો બનાવ્યો, સુખ સુવિધાઓથી સંપન્ન. અમૂક વર્ષોમાં દીપ વિદેશની સંસ્કૃતિનાં આધુનિકરણને વરી ગયો અને ત્યાંનો જ થઈને રહી ગયો.

કજરી અને કરસનનાં જીવનમાં વ્યાપેલો અંતરનો અનેરો આનંદ ઓલવાઈ ગયો હતો. ભણતરનાં મોભા તળે પોતાનો દીકરો ગણતર અને સંસ્કાર વિસરી ગયો હતો દીપને પોતાનાં દેશી, અભણ માતા પિતાને અમેરિકામાં પોતાનાં મિત્ર વર્તુળ સામે લઈ આવવામાં શરમ અને ક્ષોભનાં એ વિચાર માત્રથી જ એણે ક્યારેય પોતાનાં  માતા પિતાને અમેરિકા તેડાવ્યા નહીં અને ના તો એ પોતે ક્યારેય ભારત પાછો ફર્યો.

આશાનો દીપ જલાવી છેલ્લા શ્વાસ સૂધી કજરી અને કરસન જીવતાં રહ્યાં અંતે એ દીપ બુઝાઈ ગયો અને સાથે કજરી અને કરસનનાં શ્વાસોનાં દીપ પણ ઓલવાઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy