આરામ
આરામ


અલાર્મનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠે એ પહેલા ઇકબાલે તરતજ અલાર્મક્લોકનો અવાજ રૂંધી નાખ્યો. ગાઢ નીંદરમાંથી ખુલેલી આંખો હજુ વધુ પહોળી થવા ઇચ્છતી ન હતી. ઝીણી આંખોંથીજ ધીરે રહી એણે પરિસ્થિતિનું પૃથક્કરણ કર્યું. પડખે સુતેલી રેહાના સુધી અલાર્મનો અવાજ ન પહોંચવા દેવામાં પોતાને સ્પષ્ટ સફળતા મળી હતી. ફરજપૂર્તિની તૃપ્તિ અને થાક સંમિશ્રિત રેહાનાના માસુમ ચ્હેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
રાત્રીના સાડા ત્રણ થયા હતા. હજી દોઢ કલાક હાથમાં હતા. સ્વરવિહીન આળસ મરોડી, ઝડપથી પથારી છોડી રસોડા તરફ શાંત ડગલાં આગળ વધ્યા. રાત્રે જમ્યા પછીનું આખું રસોડું રેહાનાના હાથના સ્પર્શથી અત્યંત સ્વચ્છ અને ચળકતું દીસી રહ્યું હતું. દરેક વસ્તુ એની જગ્યાએ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ ગોઠવાઈ ચુકી હતી. ચોખ્ખા, સાફ, ગ્લાસ, થાળી, પ્યાલા.બધુજ શિસ્તબદ્ધ અને નિયમિત હતું, તદ્દન રેહાના જેવુંજ. કોણ કહી શકે નિકાહ કરી આ રસોડા અને ઘરની સંભાળ હાથ ધરવાને રેહાનાને ફક્ત થોડાજ મહિનાઓ થયા હતા ! ફ્રિજ ખોલી જ્યુસનો ડબ્બો એણે ડાઇનિંગ ટેબલ પર ગોઠવ્યો. ખજૂરની બરણી ટેબલના કેન્દ્રસ્થાને મૂકી. પાણી પીવાના ત્રણ ગ્લાસ અને ત્રણ રકાબી સમાંતરે સજાવી. પાણીના જગમાં ફ્રિજની ઠંડી બોટલ કાઢી પાણી ભર્યું. મધની બોટલ, બદામ અને ફળો એના નિયત સ્થળે પહોંચાડ્યા. રેહાનાની કાર્યશ્રેણીના દરેક ક્રમ ઝીણવટથી અનુસરાયા. રેહાના એ રાત્રે તૈયાર કરી મુકેલી રોટલીઓ નો ડબ્બો ખોલ્યો. આ રોટલીઓ ગરમ કરવી પડશે અને તરકારી પણ...
મનની મૂંઝવણ આગળ વધે એ પહેલાજ પાછળ તરફથી વિસ્મય ભર્યો પ્રશ્ન કાન ઉપર પહોંચ્યો. " શું કરે છે ? રેહાના ક્યાં છે ? " અમ્મીના ચહેરાના ઉદ્ઘાર ચિન્હો પરંપરા વિચ્છેદ સામે પ્રશ્નચિન્હો બની રહ્યા. "એ ઊંઘે છે...." વઝુ કર્યા પછી રસોડામાં પ્રવેશતા અબ્બા ઇકબાલના ઉત્તરથી ડઘાયા. "પણ આ સમયે....?" અમ્મીની આંખો સાથે અર્થપૂર્ણ સમ્પર્ક સાધતા ઇકબાલે ખુલાસો કર્યો. "પાંચ દિવસ માટે એને આરામ જરૂરી છે. એને ઊંઘવા દઈએ." "પણ શા માટે ?" જૂની શાળાના વિદ્યાર્થીને જાણે નવી શાળાના વિદ્યાર્થીનો તર્ક ન સમજાયો હોય એ રીતે અબ્બાનો પ્રશ્ન અધીરો છૂટ્યો. ઇકબાલની આંખો હજી પણ અમ્મીની આંખોમાં હકારાત્મક સહકારની શોધ કરી રહી હતી.
એ આંખોમાં એક ક્ષણ માટે જાણે વર્ષો સહેલો મૌન શારીરિક થાક અચાનક ઝાંખી રહ્યો. ન જાણે કેટલી બધી અવિરત અલાર્મ કાનમાં એકસાથે ગુંજી ઉઠી. એ થીજેલી આંખોને વર્તમાનથી ખંખેરી અમ્મીએ શબ્દોને વાચા આપી. "આપ નહીં સમજશો. રહેવા દો. ચાલો જમી લઈએ. નહીંતર સમય હાથમાંથી નીકળી જશે. હું રોટલી અને તરકારી ગરમ કરું છું." રેહાનાની નિયમિત ચહેલ પહેલ અને હાજરી વિનાજ ડાઇનિંગ ટેબલ ઉપર બધાએ બિસ્મિલ્લાહ કરી. જમ્યા પછી ઇકબાલ જયારે પોતાના શયનખંડમાં પ્રવેશ્યો ત્યારે રેહાના હજી ગાઢ નીંદર માંજ હતી. મસ્જિદમાંથી ગુંજી રહેલી ફઝરની અઝાન સહેરીનો સમય સમાપ્ત થવાનો મીઠો સંકેત આપી રહી હતી.
કોરોના વાયરસના સંક્રમણને કારણે ઘરમાંજ નમાઝ અદા કરવાની હતી. ટોપી વ્યવસ્થિત માથે ગોઠવી જાનમાઝ ઉપર નમાઝનો કોલ બાંધવા તૈયાર થયેલ ઇકબાલની નજર રેહાના ઉપર આવી થોભી. રેહાનાને *સહેરીની દોડભાગ અને થાક ન વેઠવી પડી એ બદલ મન સંતુષ્ટ થઇ ઉઠ્યું. આજે એના માસિક સ્ત્રાવનો પહેલો દિવસ હતો. આ દિવસોના શારીરિક અને માનસિક થાક ને કારણે જો ખુદ અલ્લાહ એ એને બંદગીથી સ્વતંત્રતા આપી હોય તો શું રોજિંદી દોડભાગથી પરિવાર તરફથી એને થોડી સ્વતંત્ર ન કરી શકાય ? એ રૂહાની પ્રશ્નથી મન ખુદાની અત્યંત નજીક પહોંચી ગયું અને ફઝરની નમાજ સુકુન થી આરંભાઈ.
*સહેરી = રમઝાન માસના મહિના દરમિયાન રોઝો કરવા સૂર્યોદય પહેલા કરવામાં આવતું ભોજન.