આંસુઓનું મહત્વ
આંસુઓનું મહત્વ
"કશું તૂટવાના સમાચાર આંસુ,
અમારા જીવનનું અખબાર છે આંસુ,
પ્રસંગો બધાં હોય છે સાવ હલકાં,
છતાંનીકળે છે વજનદાર આંસુ."
ભલે ગમે તે કારણ હોય પણ રડવું એ શબ્દો વગરની શક્તિશાળી ભાષા છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આંસુ સારવાથી દિલનો ભાર હળવો થાય છે અને આંસુ રોકી રાખવાની આદતથી તંદુરસ્તી પર ખરાબ અસર પડે છે. એક સર્વે મુજબ ૮૫% સ્ત્રીઓ અને ૭૩% પુરુષોએ જણાવ્યું કે આંસુ સાર્યાં પછી સારું લાગે છે.
" થયું નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે."
કોઈ માણસની આંખમાંથી આંસુ માત્ર દુઃખ, મુશ્કેલી કે ખુશીને કારણે જ નથી આવતાં પરંતુ, કોઈ ખાસ પ્રકારની ગંધ અથવા ચહેરા પર આવતાં જોરદાર પવનનાં કારણે પણ આંસુ આવે છે.
વૈજ્ઞાનિકો એ આંસુઓને મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે.
(૧) બેસલ આંસુ: આ પ્રકારનાં આંસુને બિન ભાવનાત્મક આંસુ કહેવામાં આવે છે. જે આંખોને સૂકી થતાં રોકે છે અને સ્વસ્થ રાખે છે.
(૨) રિફલેક્સ આંસુ: આ પણ બિન ભાવનાત્મક આંસુ છે. જે કોઈ ખાસ પ્રકારની ગંધ, દા. ત. ડુંગળી સમારતા, કે એસિડ - ફિનાઈલની તીવ્ર ગંધથી કે પછી આંખમાં કઈ પડે ત્યારે આવે છે.
(૩) ઈમોશનલ આંસુ( ક્રાઈંગ ટીયર્સ):
વ્યક્તિ ફક્ત ઉદાસીમાં નહિ પણ ઘણીવાર ગુસ્સા અથવા ડરના કારણે પણ રડે છે.કોઈ પણ ભાવનાની ચરમ સીમાએ આપણને આંસુ આવે છે.
આખરે વ્યક્તિ રડે છે કેમ ?
માણસનું રુદન નોન-વર્બલ સંવાદનો એક પ્રકાર છે. આંસુ દ્વારા માણસ જણાવે છે કે તેને મદદની જરૂર છે. નોન - વર્બલ સંવાદનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ નવજાત બાળકો હોય છે. બાળકો જ્યારે બોલતાં શીખ્યા નથી હોતા ત્યારે રડવાનાં માધ્યમથી નોન - વર્બલ સંવાદ કરે છે અને આપણને તેમની જરૂરિયાત સમજાવે છે.
આંસુ તો બળેલા - ઝળેલા રૂદિયાની આગ બુઝાવવા માટેનું ઈશ્વર દત્ત અગ્નિશામક રસાયણ છે. તમારી દિલની જુબાન આંસુ તો છેજ પણ ક્યાંય જુબાન નાં ઠેકાણા ના હોય ત્યારે આંસુ ય સુકાઈ જાય છે.
હવે જો આટલા મહત્વના અને આપણા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી આંસુ ખૂટી જાય તો ? આંખો સૂકી થઈ જશે, નજર ઝાંખી થઈ જશે, લાગણીઓ સુકાઈ જશે અને માનવીમાંથી માણસાઈ વિસરાઈ જશે.
"કરી શકો તો કરી બતાવો, કોરી આંખે રડી બતાવો,
ગણિત તમારું જો હોય પાકું, વહ્યાં તે આંસુ ગણી બતાવો."
