આંખોમાં અશ્રુ
આંખોમાં અશ્રુ
સુકેતુના હાથમાં એનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ હતો. પરંતુ હાશ અનુભવવાની જગ્યાએ તેના મનમાં કંઈક અલગ જ ગડમથલ ચાલી રહી હતી. એ સતત એક અપરાધની ભાવના અનુભવી રહ્યો હતો. આઈસોલેશન વોર્ડમાં વિતાવેલા એના પંદર દિવસો તેને ઘણું શીખવી ગયા હતા.
નાનકડી ઓરડી જેમાં ચાર દીવાલો અને એક પલંગ, મનોરંજનનું કોઈ સાધન નહિ, પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરવા કે વાત કરવા માટે કોઈ વ્યક્તિ નહિ, જમવાની થાળી કે ચા પણ દૂરથી કોઈ સરકાવી જતું, પોતાનું બધું કામ જાતે કરવાનું અને એકલવાયું જીવન. તેના હૃદયએ એક હતાશા ભરેલો નિશ્વાસ નાખ્યો અને હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે પરત આવ્યો.
પત્ની અને બાળકો તેનું ઉમળકાભેર સ્વાગત કરવા ઉત્સુક હતા. પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ સમગ્ર હતાશાને ખંખેરી સીધો એ માં ની નાની અમથી ઓરડી તરફ ગયો અને માં ને ખેંચીને બહાર લઈ આવ્યો.
પત્ની અને બાળકોની સામે જ એણે માં ને કહ્યું "આજથી તારે અમારી સાથે બેસીને જ જમવાનું, વાતો કરવાની અને ટીવી પણ જોવાનું આમ એકલા રૂમમાં નહી બેસવાનું."
આંખની પાંપણ પર ઉભરાઈને આવેલો અશ્રુ લૂછતાં મા એ કહ્યું, "અરે વાહ ! આ કોરોના તો "પોઝિટિવ" આવ્યો."
