Prashant Subhashchandra Salunke

Horror Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Horror Inspirational

આંખો ખુલી ગઈ

આંખો ખુલી ગઈ

6 mins
370


આજે આખો દિવસ દોડધામનો રહ્યો. સવારે ઊઠીને ક્લાસમાં ગયો. આજે બાળકોની પરિક્ષા હોવાને કારણે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સમય વ્યતીત થયો. ત્યારબાદ આંગણવાડીથી આવેલા આમંત્રણને સન્માન આપ્યું, ઘરે આવી કેટલીક સ્પર્ધાઓને લગતી વાર્તાઓને પૂર્ણ કરી. અધૂરામાં પૂરું કેટલાક કાર્યકરો ઘરે આવતા તેમની સાથે વસ્તીની મુલાકાતે નીકળી ગયો. હવે ઘરે આવ્યા બાદ કઈ કરવાની તાકત બચી નહોતી. હું પથારીમાં પડતા જ સુઈ ગયો. લગભગ મોડી રાતે મને એક સપનું આવ્યું. સ્વપ્નમાં મારા પરિચિત એવા પ્રવિણલાલ આવ્યા. હું તેમને જોઇને ડરી ગયો. કારણ પ્રવિણલાલનું મૃત્યુ પખવાડિયા પહેલા જ થયું હતું. લાંબી બીમારીમાં સબડી સબડીને તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમને જોઇને હું ખૂબ ડરી ગયો. આમ અચાનક પ્રવિણલાલ મારી સામે! પરંતુ બીજી જ ક્ષણે તેમની આંખોમાં અશ્રુ જોઈ મારા મનમાં ડરની જગ્યાએ સહાનુભૂતિએ લીધી.

મેં હિમ્મત કરી પૂછ્યું “અરે! પ્રવિણલાલ, તમે કેમ છો ? મર્યા બાદનું તમારું જીવન કેમ છે ?”

મારી વાત સાંભળી પ્રવિણલાલે કહ્યું, “હવે તને શું કહું. ખરેખર કહું તો મર્યા બાદ મારી જાણે આંખો ખૂલી ગઈ છે. જે મોટા દીકરા રમણીકને હું દેવ સમજતો હતો તે હકીકતમાં શેતાન નીકળ્યો. આત્મા બન્યો ત્યારે જાણવા મળ્યું કે રમણીક શરાબ પીવા બારમાં જાય છે. વળી નર્તકીઓની પાછળ ઢગલો રૂપિયા ઉડાવે છે. મારી વહુઓ પણ સતી સાવિત્રી નથી. તઓના અડોશપડોશના પુરૂષો સાથેના આડા સબંધો જોઈ મારો જીવ બળે છે. ખરેખર કહું તો મર્યા બાદ સઘળી હકીકત સામે આવતા ખૂબ દુઃખ થાય છે. ચિતાની આગ કરતા પસ્તાવાની આ આગ ખૂબ જ તકલીફદેહ છે.”

પ્રવિણલાલનો આત્મા આમ બોલી ડૂસકે ડૂસકે રડી રહ્યો. ઓચિતું વાતાવરણ ભયાવહ બની ગયું. પ્રવિણલાલ આમ સ્વભાવે ઘણા અતડા. આખી જીંદગી તેઓએ પુણ્યનું એક કામ નહોતું કર્યું. જેમણે તેમના પર વિશ્વાસ રાખ્યો હતો તેમનો પણ પ્રવિણલાલે વિશ્વાસઘાત કર્યો હતો. તેમની સાથેના મારા અનુભવો પણ કંઈ સારા નહોતા. હવે આટલા લોકોના નિસાસા લીધા બાદ તેમની આત્માને શાંતિ ક્યાંથી મળે ?

ખેર, પ્રવિણલાલને ડૂસકે ડૂસકે રડતા જોઈ મારો જીવ બળ્યો મેં પૂછ્યું, “પ્રવિણલાલ. કેમ આમ રડી રહ્યા છો ? બધું ઠીક તો છે ને ?”

પ્રવિણલાલે રડમસ ચહેરે હકારમાં માથું હલાવ્યું. એ જોઈ મેં આશ્ચર્યથી પૂછ્યું, “બધું ઠીક છે તો રડો છો શું કરવા ?”

પ્રવિણલાલે જવાબ આપ્યો, “બેટા હવે તને હું શું કહું ? સાંભળ મારું જે દિવસે મૃત્યુ થયું તે દિવસે મેં જે અનુભવ્યું તે હું તને કહું છું. જે દિવસે મારું મૃત્યુ થયું તે દિવસે હું મારી સામે મારું શબ જોઈ આતંકિત થઇ ગયો હતો. મારું દેહ મારી નજરો સામે નિશ્ચલ અવસ્થામાં પડ્યું હતું. અને હું તેની સામે ઊભો રહીને તેને જોઈ રહ્યો હતો. મારું સ્થિર અને શાંત શરીર જોઇને મને લાગ્યું કે ખરેખર આટલી શાંતી મેં ક્યારેય અનુભવી નહોતી. બસ કુતરાની પેઠે હંમેશા હાયપીટ કરતો રહ્યો. લોકોને મૂરખ બનાવવામાં અને તેમનું આંચકી લેવામાં હું કાયમ વ્યસ્ત રહેતો. આજે જે શાંતિ હતી તે મેં પહેલા ક્યારેય અનુભવી નહોતી.

હું આમ વિચારી જ રહ્યો હતો ત્યાં મારો નાનો દીકરો વિશાલ આવ્યો. હજુ સુધી ઘરના કોઈ વ્યક્તિને મારા મરણ બાબતે જાણકારી નહોતી. વિશાલે મારી તરફ જોઇને વિચાર્યું કે કદાચ હું ઊંઘતો હોઈશ. તે બિલ્લીપગે મારી પાસે આવી મારા ઓશિકા નીચે મુકેલા પાકીટને કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હું આ જોઈ હેબતાઈ ગયો! રોજેરોજ મારા પાકીટમાંથી ગાયબ થતા પૈસાની ગેડ મને આજે મળી! હું કાયમ વિચારતો રહેતો કે મારા દારૂડિયા પુત્ર વિશાલ પાસે પાન પડીકી અને શરાબ પીવાના પૈસા આખરે આવે છે ક્યાંથી ? ખેર, પાકીટ કાઢતા સમયે વિશાલના ધ્યાનમાં આવ્યું કે મારું શરીર જરાયે હલનચલન કરતું નથી. તેણે મારા નાક પાસે હાથ મૂકી જોયો. મને એમ કે વિશાલ મને મરેલો જોઈ પોક મુકીને રડશે. પરંતુ તેણે તેમ ન કરતા હવે બિન્ધાસ્ત મારા ઓશિકા નીચેનું પાકીટ કાઢ્યું અને તેમાંથી બધા રૂપિયા કાઢી ગજવામાં મુક્યા. હવે તેણે બુમરાણ મચાવી અમંગલ ઘટનાને બધાને જાણ કરી. 

હું મરી ગયો છું એ વાત ધ્યાનમાં આવતા આખા ઘરમાં દોડધામ મચી ગઈ. મારા પરિવારજનોએ સગા સબંધીઓને ફોન કર્યા. મારા મૃત્યુના સમાચાર જંગલની આગ પેઠે સર્વત્ર ફેલાઈ ગયા. મને એમ કે મારી લાશ આગળ જોતજોતામાં લોકોનો મેળાવડો જામી જશે. પરંતુ એવું કશું થયું નહીં. જે સબંધીઓને મારી સંપતિમાંથી ભાગ મળવાની આશા હતી માત્ર તેઓ જ દોડી આવ્યા. થોડીવારમાં ગણ્યાગાંઠ્યા લોકોએ રડારડી કરી આખો મહોલ્લો ગજવી દીધો. ઘરમાં રડારડી અને દોડાદોડી થઈ ગઈ. ઘરમાંથી પરિવારમાં જાણ થઇ પરિવારમાંથી સમાજમાં જાણ થઈ અને સવાર સુધીમાં તો મારી સંપતિમાં ભાગ પડાવવા ઈચ્છુક લોકોનો મેળો જામી ગયો. તે સૌની આંખોમાં આસું હતા. તેઓ બધા પોક મુકીને રડી રહ્યા હતા. બધા રડી રહેલા.. મારો આત્મા વિચલિત થવા લાગ્યો. મારા બંને દીકરાની હાલત ખરાબ હતી. બંનેમાંથી કોણ વધુ દુઃખી હતું તે કહેવું મુશ્કેલ હતું. મારી વહુઓ ચક્કર ખાઈને બેભાન પડી રહી હતી. મારા મિત્રોની આંખોમાંથી અવિરત આંસુઓ વહી રહ્યા હતા...”

મેં વાતને ટુંકાવતા કહ્યું, “પ્રવીણલાલ, આ બધું જોઇને તમારી આત્મા ખૂબ દુભાઈ હશે નહીં ?”

પ્રવિણલાલે નિ:સાસો નાખતા કહ્યું, “બહુ દુઃખ થયું બેટા. બહુ દુઃખ થયું.”

મેં ઊંડાણથી વિચારતા કહ્યું, “પ્રવિણલાલ, પ્રિયજનોના મૃત્યુથી સૌને આઘાત લાગતો હોય છે. આવા કિસ્સામાં રડવું એ સ્વાભાવિક પ્રક્રિયા છે. તમારે તમારી આત્માને આટલું દુઃખી કરી લેવાની કોઈ જરૂર નથી. જયારે કોઈનું મૃત્યુ થયા ત્યારે...”

મારી વાતને વચ્ચેથી કાપતા પ્રવિણલાલનો આત્મા બોલ્યો, “એક મિનિટ બેટા તારા કોઈ ભૂલ થાય છે.”

હું અસમંજસમાં પ્રવિણલાલની આત્માને જોઈ રહ્યો.

પ્રવિણલાલનો આત્મા બોલ્યો, “બેટા, બધા રડતા હતા તે વાતનું મને જરાયે દુઃખ નહોતું.”

“તો તમને શેનું દુઃખ આવી પડ્યું ?”

“તેઓ આજે રડતા હતા એ વાતનું મને દુઃખ થઇ રહ્યું હતું.”

મને કાંઈ સમજણ ન પડી. હું મારી સામે આઠમી અજાયબી ખડી હોય તેમ પ્રવિણલાલને જોઈ રહ્યો. મને આમ તાકતા જોઈ પ્રવિણલાલે આગળ કહ્યું, “બેટા, તું તો જાણે છે ને હું ચાર મહિના પથારીવશ હતો. મારા મળમૂત્ર બધા પથારીમાં જ થતા. મારી આવી હાલતમાં મારી પાસે કોઈ ફરક્યું નહીં. પેલા મગરમચ્છના આંસુ સારતા મારા દીકરા અને વહુઓ મારી તબિયત પણ પૂછવા આવતા નહીં. વહુઓ તો ધ્રુણાથી મારાથી આઘી આઘી રહેતી. મને એક ઓરડામાં જાણે ફેંકી દીધો હતો. હું જાણે બધાના માથાના બોજ બની ગયો હોવું તેવું બધા વર્તી રહ્યા હતા. તેઓ બધા ગિદ્ધની પેઠે મારી મરવાની રાહ જોઈ રહ્યા હતા. મારા દોસ્તો મિત્રો જે એ દિવસે દોડી આવ્યા હતા. તેઓ મારા કપરા સમયમાં મારા હાલચાલ પૂછવા પણ આવ્યા નહોતા. દોસ્ત, ચિંતા ન કર અમે છીએને આવો સાંત્વનાભર્યો શબ્દ એક દોસ્તે પણ ઉચ્ચાર્યો હોત તો મારા જીવને ટાઢક મળી હોત. જે સ્વજનો આંસુ સારી રહ્યા હતા; તેઓ મારી તકલીફમાં મારા આસું લુંછવા ક્યારેય આવ્યા નહી! હવે અચાનક એ દિવસે બધા પાસે સમય હતો.. બધાને મારા પ્રત્યે પ્રેમ હતુ! બેટા, હું ફકત એ જાણવા માંગું છું કે શું તેઓ સાચે મને આટલો પ્રેમ કરતા હતાં ? કે ફક્ત સમાજના ડરથી તેઓ ફક્ત એક રીવાજ પુરો કરવા આવેલા ? બીજું કે શું તેઓ ફક્ત મારી સંપતિમાંથી ભાગ મળશે એ આશાએ આંસુ સેરવી રહ્યા હતા. મને તો એ વિચારી ડર લાગે છે કે જો હું ગરીબ હોત તો આમાંથી કોઈ આવ્યું હોત કે નહીં ? જ્યાં સુધી મને મારા આ પ્રશ્નનો જવાબ મળે નહીં ત્યાં સુધી મારો આત્મા આમ જ ભટકતો રહેશે. મારા પ્રશ્નનો જવાબ આપ બેટા. જવાબ આપ.” 

મેં મન મક્કમ કર્યું. પ્રવિણલાલની આંખો ખોલવાની આજે તાતી જરૂર હતી. તેમની આત્માને શાંતિ મળે એ આશાએ હું બોલ્યો, “પ્રવિણલાલ, મારા એક પ્રશ્નનો જવાબ આપો. તમારા અવસાન પહેલા તમારા કોઈ દોસ્ત કે સ્વજન ગુજરી ગયા હતા ત્યારે તમે શું કર્યું હતું ?”

મારો પ્રશ્ન સાંભળી પ્રવિણલાલની આકૃતિ ઝાંખી થવા લાગી. જાણે હું કશું અભદ્ર બોલી ગયો હોવું તેમ મને જોતાજોતા તેમનો આત્મા અદ્રશ્ય થઇ ગયો.  મારા મોબાઈલમાં મુકેલ અલાર્મ વાગતાની સાથે મારી આંખો ખુલી ગઈ. જોકે મારું મન શાંત હતું. હું જાણતો હતો કે મારા જવાબથી પ્રવિણલાલના આત્માની પણ આંખો ખુલી ગઈ હશે ! 


Rate this content
Log in

Similar gujarati story from Horror