આમ જ
આમ જ


"સાયકલ મારી સરરર જાય,
ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય."
"ચાલો ગણુભાઈ પેડલ મારો જોઉં! સામે સૂરજ દેખાય ત્યાં સુધી પહોંચી જવાનું છે."
"ના કાકા, મને બીક લાગે."
"અરે! બીક શેની!"
"જો પાછલી શેરીમાંથી છરા લઇને બે ગુંડા જેવા માણસો મારી પાછળ દોડે છે!"
"અરે ગણુભાઈ, એટલે જ ઝડપથી ભાગી જવાનું છે.એને તો ક્યારનીય પોલીસ પકડીને લઈ ગઈ."
રોજનો આ અરધો કલાકનો એક પણ શબ્દના ફેરફાર વગરનો કાર્યક્રમ પૂરો થયો.
આફતાબને ફરી નિષ્ફળ જવાની લાગણી થઈ આવી.
પાંચ વર્ષ પહેલાંનાં કોમી હુલ્લડમાં પોળમાં બાજુમાં રહેતા નાના ગણેશ ઉર્ફે ગણુએ નજર સામે પોતાનાં મા-બાપને સ્ટેબીંગમાં મરતાં જોયાં. પડોશમાં પહેલેથી રહેતા આફતાબે ગણુને બચાવી લીધો. પણ એ ગોઝારી ઘટનાના ગણુના બાળમગજ પર પડેલા પ્રભાવથી એ પાંચ વર્ષ પહેલાંની ઉંમરે જ સ્થિર થઈ ગયો.
વર્ષો બાદ ફરી કોમી રમખાણ થયાં અને આ વખતે આફતાબની પાછળ છરા લઇને બે માણસો દોડે એ દ્રશ્ય ગણેશથી નહોતું જીરવાતું.
આંગણામાં પડેલી સાયકલ પર સવાર થઇને એ આફતાબને ઘેરી વળેલા ગુંડાઓ પર તૂટી પડ્યો. અને એક અજબ ઝનૂનપૂર્વક એણે હુમલાખોરોને ખદેડી મૂક્યા.
"ચાલો કાકા, સૂરજ દેખાય ત્યાં પહોંચી જઇએ."
ગણુ ઇજાગ્રસ્ત આફતાબને સાયકલ પર બેસાડીને પૂરજોશમાં પેડલ મારવા માંડ્યો.
સામે દેખાતો સૂરજ બરાબર માથે હતો અને આફતાબ સલામતીનો શ્વાસ લે એ પહેલાં ગણુએ સાયકલ રોકીને આફતાબને પાડી દીધો. ધૂનમાં ને ધૂનમાં ગણુ આફતાબને ઘા ઝીકતો ગયો.. ઝીકતો ગયો.
"કાકા, જુઓ પેલા બે માણસોએ આમ જ છરો મારી દીધો હતો."