Dina Vachharajani

Drama Thriller

4.2  

Dina Vachharajani

Drama Thriller

આજ મૈ આગે

આજ મૈ આગે

4 mins
213


મોટેભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડીવાર વાર પછી કોઈ રોડ પર પુરપાટ દોડ્યું જતું હોય તેવો અહેસાસ થયો. એ દોડી જનારના પગલાનો અવાજ શમે તે પહેલા તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એ ચારેક માણસોનું ટોળું ત્યાંજ સ્તંભી ગયું. અને એટલામાં આઘું પાછું થઇ કંઇક શોધવા લાગ્યું. પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું, તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું એટલે એ ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહોને કે માણસ જ હતું. પણ કંઇક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાંકળિયા વાળ થોડા અજીબ લાગતા હતા છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતું હતું…

હા...એ શામલી હતી. એનો શ્યામ રંગ રાતના અંધકારને જાણે વધુ ગાઢ બનાવતો હતો .ફક્ત એનું કપાળ ચમકતું હતું-- હમણાં જ પેલા ટોળાએ મારેલા પથ્થરના ધા માંથી ઝમતાં લોહીથી. થાક,ઉત્તેજના અને કંઇક આનંદથી એની છાતી હાંફતી હતી. એણે પોતાના કમીઝમાં હાથ નાંખી કોઇક વસ્તુ બહાર કાઢી આંખ સામે ધરી...એ વસ્તુનો ચળકાટ જાણે એની આંખોમાં અંજાઈ ગયો. પાછી એ વસ્તુ કમીઝમાં સેરવી એ સીધી રસ્તો છોડી બાજુની ગલીમાં વળી ગઇ. હવે રાજુને ઘરે પહોંચી જાય કે શાંતિ..વિચારી એણે ચાલવાની ઝડપ વધારી. સાથે સાથે એના વિચાર પણ જાણે અતીત માં ભાગવા માંડ્યા.

મા તો કાયમ એને કાળી જ બોલાવતી.આમ તો એનું નામ કાળી જ હતું. મા ની આંગળીએ એ કયારેક ઠામ- વાસણ માંજવાના કામે જતી ત્યાં એક ભલી શેઠાણી મા ને ટોકતી કે આવી સરસ છોકરીને એના રંગ પરથી 'કાળી' ના બોલાવો. કમ સે કમ 'શ્યામલી' બોલાવો. બસ પછી તો બધા માટે એ 'શામલી' થઈ ગઇ.મા સાથે એ કામ પર જતી પણ કંઈ ભૂલ થતાં શેઠાણીઓ મા ને બૂમો પાડે કે એને ગુસ્સો આવતો ને ભાગીને એ ઘરમાં ભરાઇ જતી. જોકે ઘરે પણ એ કાંઇ લાંબુ ન રહી શકતી. દારુડીયો બાપ ઘરે આવી ધમાલ મચાવતો, એને ય મારવા લેતો ને એ ગલીમાં રમવા ભાગી જતી. જોકે પછી તો એનો બાપ જ દારુ પી પી ને માંદો થઇ મરી ગયો. એ ને એની મા થોડો વખત શાંતિથી રહ્યા ત્યાં મા જ્યાં કામ કરતી એ કોલોની રીડેવલેપમેન્ટમાં ગઇ,મા નું કામ છૂટી ગયું. માંડ માંડ ખાવાની વસ્તુ ઘરમાં આવતી. થોડો વખત ખૂબ તકલીફમાં ગયો. ત્યાં અચાનક જાણે જાદુ થયું...મા જાત જાત ની ખાવાની વસ્તુઓ લાવવા માંડી..હા..સાથે સાથે જાત જાતનાં હટ્ટાકટ્ટા આદમીઓ પણ ઘરમાં આવવા માંડ્યા. કોઇ આવે કે મા એના હાથમાં નાસ્તાનું પેકેટ પકડાવે ને એ બહાર ભાગી જાય. એને આ બધું ખાસ સમજાતું નહીં પણ એટલી ખબર પડતી કે હવે જલદી ઘરે નથી જવાનું!! જ્યારે પાછી ઘરે આવે ત્યારે માં કાંતો લાલી લિપસ્ટિક લગાડી બહાર જવા તૈયાર થતી હોય કાં શરીર દુ:ખે છે કહી ગોટપોટ ટુંટીયું વાળી પડી હોય. શામલી ને મા પર ,પેલા હટ્ટાકટ્ટા આદમીઓ પર, લાલી લિપસ્ટીકની ડબ્બીઓ પર ખૂબ ગુસ્સો આવતો પછી ભૂખ લાગતા બધું જ ભૂલાઇ જતું.

હવે એને થોડું સમજાતું ત્યાં જ એને અસમંજસમાં છોડી એની માં કોઇ યાર સાથે ભાગી ગઇ. તૂટલા ફૂટલા ઝૂંપડા ને બાજુ વાળા માસીને સહારે એણે થોડા દિવસો કાઢયાં. પછી માસી એ એક ઘરકામ શોધી દેતાં એ ત્યાં જ રહેતી થઈ. એ લોકો આમતો સારા હતા. શેઠ તો એને બક્કલ- બંગડીઓ જેવી જાત જાતની વસ્તુ લાવી આપતા. સમય વીતતો ગયો. એક દિવસ શેઠાણીની ગેરહાજરીમાં શેઠે એને પાછળથી પકડી બાથ ભીડી ને એની આંખ સામે પેલા હટ્ટાકટ્ટા આદમીઓના ચહેરા પસાર થઇ ગયા....શેઠને જોરથી ધક્કો મારી એ ભાગી..બસ,ભાગતી જ ગઇ...

હવે તૂટેલું ઝૂંપડુ એકલા કેમ જીવવું એને શીખવતું ગયું. કાળા રંગ અને ટૂંકા અજીબ વાળમાંથી ડોકાતો સોહામણો ચહેરો અને તંદુરસ્ત શરીરની કિંમત હવે એ સમજતી હતી. છોકરાઓની આંખોમાં રમતા સાપોલીયાંને પંપાળી પોતાના કામ કઢાવતા તો એ શીખી ગઇ પણ માનાં લાલી લિપસ્ટિક વાળા,થાકેલા,લાચાર ચહેરાનું મહોરું પહેરવા એ હરગિજ તૈયાર નહોતી.

આજકાલ રાજુ એનો સારો દોસ્ત બની ગયો હતો. એ પૈસાની મદદ કરતો ને નજરનો પણ સારો હતો. એની પાસે પૈસાની છૂટ જોઇ શામલી કહેતી''એલા તારો ખિસ્સા કાપવાનો ધંધો મને શીખાડ" રાજુ કહેતો "અરે ઇમાં તો ચાલતી બસ, ટ્રેનમાંથી ભાગવું પડે...ઇમાં હિમ્મત જોઈં".શામલીને પોતે આખી જિંદગી ક્યાં ક્યાંથી ભાગી હતી એ યાદ આવતું ને એ કહેતી "છટ્ટ! હવે ભાગે ઈ બીજાં, હું તો લોકોને મારી પાછળ ભગાવીશ!!.."

આજે સાંજે એ કમાવાની કોઇ તરકીબ વિચારતી બજારમાં ઘણીવારથી ફરી રહી હતી. ત્યાં એક સોનીની નાની દુકાનમાંથી બૂમ પડી " એ છોરી મારી કામવાળી નથી આવી..જરા કચરો વાળી આપને...પૈસા આપીશ"

દુકાન વાળાની આંખોમાં ડોકાતા સાપોલિયાનો તો એને કોઈ જ ડર નહોતો. હવે તો એ મરચાંની ભૂકી પણ સાથે રાખતી થઈ ગઇ હતી. એના મગજમાં કોઈ ઝબકારો થયો એ બોલી "હંક ને શેઠ,લાવો વાળી આપું " ઝાડુ લઇ એણે વાળવાની શરૂઆત કરી ત્યાં જ એક જોડું સોનાના હારની ખરીદી માટે આવ્યું. બે ત્રણ હાર કાઉન્ટર પર પાથરી સોની એ બીજા હાર કાઢવા પૂંઠ ફેરવી...પેલુ જોડું પોત પોતાના ફોનમાં મેસેજમાં ખૂંપેલું હતું ને લો, શામલીનો રસ્તો ખૂલી ગયો....ચીલ ઝડપે એક હાર તફડાવી એ ભાગી....ભાગતી જ ગઇ પણ આજે એ એકલી નહોતી ભાગતી એ આગળ હતી ને પાછળ હતો પેલો સોનીને તેના ત્રણ સાથી.

રાજુના ઘર તરફ તે જ ગતિ એ જતાં ખુશખુશાલ શામલી ગણગણતી હતી " આજ મૈં આગે....દુનિયા પીછે'..!


Rate this content
Log in

Similar gujarati story from Drama