૧૦.૧૦ ની બસ
૧૦.૧૦ ની બસ


આજે પણ રોજની જેમ શશાંક ૧૦.૧૦ ની બસ પકડવા ઉતાવળે બસ સ્ટેન્ડ પર પહોંચ્યો... બસ સ્ટેન્ડ પર પેસેન્જરોની લાંબી લાઈન હતી. શશાંક ને લાગ્યું આજે તો મોડું જ થશે.
શશાંક ગ્રેજ્યુએટ થયા પછી એક સગાની ઓફીસમાં એક મહિનાથી શીખવા જતો હતો.. ઓફીસનો અગિયાર વાગ્યાનો સમય.
૧૦.૧૦ ની બસ આવવાની દસ મિનિટ બાકી હતી. શશાંકની પાછળ પાંચ-છ જણા હતા. એટલામાં એક કોલેજિયન યુવતી આવીને બસની લાઈનમાં ઊભી રહી.. શશાંકે એ યુવતીને જોઈ.. કદાચ..એ યુવતી પણ શશાંક ને.....એ યુવતી એ માંજરી આંખોથી શશાંકને જોયો. એટલામાં બસ આવી.
શશાંક નો વારો આવે એ પહેલા બસ ભરાઈ ગઈ. શશાંક દરરોજ આવતો હોવાથી કંડક્ટરે શશાંકને બસમાં બેસવા જણાવ્યું... પણ શશાંકની નજર એ યુવતી પર હતી... એણે એ બસ જવા દીધી....આમ એક મહિના સુધી શશાંક ૧૦.૧૦ ની બસ જવા દેતો.. હવે...એ યુવતી પણ શશાંકને જોતી સ્મિત આપતી... એક દિવસ શશાંક ૧૦.૧૦ ની બસ માટે બસ સ્ટેન્ડ પર રાહ જોતો હતો. આજે ભીડ નહોતી.. સહેલાઈથી જગ્યા મલે એમ હતું.
બસ આવવાની વાર હતી. એટલામાં ...રામ.. બોલો.. ભાઈ.. રામ... ડાધુઓ એક ઠાઠડી લઈને નીકળ્યા. બસ સ્ટેન્ડ પાસે એ ડાધુઓ થોડીવાર ઊભા રહ્યા.... કદાચ.. કોઈ આવવાનું હોય !. શશાંકે એ મૃતદેહ તરફ નજર કરીને નમન કર્યું.. જોયું તો કદાચ કોઈ યુવતીનો મૃતદેહ લાગ્યો.
પાછળ બસ આવી ગઈ.. એટલે ડાધુઓ રામ..બોલો..ભાઈ રામ..બોલતા..એ નનામી લઈને ચાલ્યા.....બસ આવી.. ખાલી બસ હતી..પણ શશાંકનું મન આજે ઉદાસ.. કદાચ..એ માંજરી આંખો...એની આંખ સામે...... શશાંકે બસ ને જવા દીધી..એ માંજરી આંખોવાળી યુવતી દેખાઈ નહીં... એટલામાં એક ભાઈ જલદી જલદી બસ સ્ટેન્ડ પર આવ્યા...બસ સ્ટેન્ડ પર શશાંક એકલો હતો એટલે એ ભાઈ એ પુછ્યું...૧૦.૧૦ ની બસ ગઈ ?......હા......કેમ આજે મોડું થયું ? પેલા ભાઈ શશાંક ને દીઠે ઓળખતા.. બોલ્યા... આ હમણાં જે યુવતીની નનામી ગઈ..એ અમારી સોસાયટીમાં રહેતી હતી. સાંભળીને શશાંક ચોંક્યો... પેલા ભાઈ બોલ્યા...એ છોકરી સવારે બાલ્કનીમાં કપડાં સૂકવતી હતી.. એટલામાં એને ચક્કર આવ્યા..એ ધડામ કરતી ઉપરથી નીચે પડી.. એણે બેલેન્સ ગુમાવી દીધું હતું...મારે એટલે મોડું થયું...એ છોકરી આ સમયે બસમાં આવતી.. તેં કદાચ જોઈ હશે.. કોલેજમાં અભ્યાસ કરતી..એની આંખો માંજરી હતી..... આ સાંભળી ને શશાંકનું મન ઉદાસ થયું.. એટલામાં બસ આવી..પેલા ભાઈ બસમાં બેઠા અને બોલ્યા..બસમાં બેસી જાવ... શશાંકે બસમાં બેસવાની ના પાડી.. બોલ્યો.. તબિયત સારી નથી.. ઘરે જઉ છું... કદાચ ૧૦.૧૦ ની બસમાં બેઠો હોત તો......આ ખબર પડતી નહીં..!