Raman V Desai

Classics

2  

Raman V Desai

Classics

૧ સુરેશ

૧ સુરેશ

7 mins
7.3K


સુરેશ

હું વાદળી કટકા થઈને

ઉપાડતા વિદ્યુત દોડી આવે !

પાષણના આ ગિરિશૃંગના સૌ !

વર્ષાવતા હિમનું ઝાપટું શું ?

કલાપી


મને જ્યારે જ્યારે અમગમો આવતો ત્યારે હું મારા મિત્ર જ્યોતીન્દ્રની પાસે જતો. જ્યોતીન્દ્ર ફિલસૂફ હતો, પરંતુ તેની ફિલસૂફીમાં હાસ્ય અને કટાક્ષ રહેલાં હતાં. તે મોટે ભાગે આરામખુરશી ઉપર બેસી, આંખો મીંચી પડી રહેનાર સુસ્ત માણસ હતો; તથાપી કેટલીક વખત તે અણધારી સ્ફૂર્તિ બતાવતો, અને મજબૂત માણસ પણ થાકી જાય એટલી મહેનત કરી શકતો. ઘણુંખરું તે વાતો સાંભળ્યા કરતો ઓછાબોલો યુવક હતો; પરંતુ કોઈ વખત વાચાળ બની આપણને આશ્રયમાં નાખી દે એવી વાતો પણ કરતો. તેની પત્ની જ તેના વિચિત્ર સ્વભાવથી કોઈ કોઈ વખત કંટાળતી તો પછી મિત્રો કંટાળે એમાં આશ્ચય નહોતું. તેની પત્નીનું નામ વ્રજમંગળા હતું. વ્રજમંગળા ઘણા જ સારા સ્વભાવની સ્ત્રી હતી.

આજે જ્યોતીન્દ્ર પાસે ગયા સિવાય ચાલે એમ નહોતું. હું અત્યંત ઉતાવળથી એને ત્યાં ગયો. વ્રજમંગળા આગળના ખંડમાં બેસી મોજાનાં દોરા ઠીક કરતાં હતાં. મેં જતાં બરાબર પૂછ્યું :

'કેમ, વ્રજમંગળાબહેન ! જ્યોતિ ઘરમાં જ છે ને ?'

જ્યોતીન્દ્ર અંદરથી બહાર આવ્યો અને હસ્યો :

'કેવડું મોટું નામ ? સવારથી બોલવા માંડીએ તો સાંજે પૂરું થાય. બે કે ત્રણ અક્ષર કરતાં વધી જાય એ નામ કદી બોલવાં જ ન જોઈએ, કેટલો વખત બરબાદ જાય !'

'તમારે વખતને શું કરવો છે ? ચોપડીઓ વાંચો કે બહાર રખડો. પોલીસ કમિશનર સાહેબે ક્યારના બોલાવ્યા છે, પણ જતા જ નથી. અમુક ફાટેલાં મોજાં સુધરે પહેરીને જ જવાની એમણે જીદ લીધી છે; અને પાછા વખતની કિંમત કરે છે ! કહો સુરેશભાઈ ! ઓછો જુલમ છે ?'

વ્રજમંગળાએ પાછળથી મને સંબોધન કરીને કહ્યું. વાતચીત દરમિયાન હું ખુરશી ઉપર બેસી ગયો હતો. જ્યોતીન્દ્રના ઘરમાં મને કદી પારકું લાગ્યું નથી. નામના લંબાણ સંબંધી તકરારમાં ભાગ લેવાની મારી જરા પણ ઈચ્છા નહોતી. મારે જ્યોતીન્દ્રને એકાંતમાં મળવું હતું. પરંતુ મારી ગમે તેટલી ઈચ્છા હોય તોય. વાત અડધેથી તોડી પડાય નહિ એમ ધારી મેં બંનેને સારું લગાડવા પ્રયત્ન કર્યો.

'જ્યોતિને વખતની તો તલપૂરે પરવા નથી; એ તો ખોટું બહાનું છે. પણ નામ ટૂંકાં જોઈએ એ એની વાત ખરી છે.’

'તો પછી તું તારી ભૂલ સુધાર. એનું આખું નામ શાનો દે છે ? હું તો ઘણી વખત એનું નામ જ ભૂલી જાઉં છું. વ્રજ યાદ રાખવાને કૃષ્ણ સંભારી રાખું છું અને મંગળાને માટે મંગળવાર યાદ કરું છું. પણ તેમાં ભારે ગોટાળો થઈ જાય છે ! એક દિવસ એક જણે મને એનું નામ પૂછ્યું. કૃષ્ણમાંથી બંસરી યાદ આવી અને મંગળને બદલે ગુરુવાર યાદ આવ્યો. એટલે છબરડો વાળીને મેં એનું નામ કહ્યું, ગુરુબંસરી !’

જ્યોતિએ આટલું લાંબું વ્યાખ્યાન કર્યું, પણ હું તો ચમકી ઊઠ્યો. તેના મુખ ઉપર સ્મિત હતું. હું જે વાત કરવાને આવ્યો હતો. તે જ વાત તરફ એ મને યુક્તિથી દોરતો હતો કે શું ? હું બંસરી વિષે જ વાત કરવા આવ્યો હતો. બંસરી મારી પ્રિયતમા ! એને હું જીવ સાટે ચાહતો હતો. રાતમાં તેનું ખૂન થયું હતું. સવારમાં ખબર પડતાં બરાબર મારા દેહમાંથી જાણે મારો જીવ ઓસરી જતો હોય એમ મને લાગ્યું. આ ખબર કહેવા આવનારનું હું ખૂન કરી નાખત, પરંતુ મારા શરીરની બધી જ શક્તિ હણાઈ ગઈ હતી. ખબર સાંભળતાં જ હું ખુરશી ઉપર બેસી ગયો. હું પૂરા ભાનમાં છું કે નહિ તેની ખાતરી કરવા મેં મારા હાથ ઉપર ચીમટીઓ દીધી. વધારે વખત આમ ને આમ હું બેસી રહીશ તો મારું ચિત્ત ફટકી જશે એવી મને બીક લાગી. બંસરીનું ખૂન ! ઘડી ઘડી હું ચમકી ઊઠતો. દસેક ક્ષણમાં તો મને દસ જિંદગીનાં ઝેર વ્યાપી ગયાં. મારે એક જ સ્થળનો આશ્રય લેવાનો હતો. આઘાતથી શૂન્ય બની જતા મનને જ્યોતીન્દ્ર યાદ આવ્યો. એ મારા ફિલસૂફી મિત્રને ગુનાઓ અને ગુનેગારો વિષેના વાચનનો ઘણો શોખ હતો. કોઈ ભયંકર ગુનાની વિગત વર્તમાનપત્રમાં વાંચતાં તે ઘણી વખત ‘વાહ!' એવો ઉદ્દગાર પણ કાઢતો. ત્રણેક વર્ષ પરદેશ રહી, ફ્રાન્સ, ઈંગ્લંડ અને અમેરિકાની છૂપી પોલીસમાં શિક્ષણ લઈ, ઘણી માહિતી તે મેળવી આવ્યો હતો; એટલું જ નહિ પણ સારો સંબંધ હતો. નિષ્ણાત ડિટેક્ટિવો સાથે તેને પત્રવ્યહારનો પણ સારો સંબંધ હતો. હિંદમાં આવ્યા પછી તેણે કાંઈ ગુના પકડવાનું કામ કર્યું હોય એમ મારા જાણવામાં નથી, પરંતુ પોલીસખાતાના મોટા અધિકારીઓ સાથે તે કવચિત્ સમાગમમાં આવતો, અને વર્તમાનપત્રે ચઢેલા દરેક ગુનાની હકીકતોને ચીવટાઈથી વાંચ્યા કરતો. તેની અનેક વિચિત્રતાઓ જોડે આને પણ એક વિચિત્રતા માની અમે તેને હસતા. આજે બંસરીના ખૂનનો વિચાર મને પાગલ બનાવી મૂકે તે પહેલાં જ્યોતીન્દ્ર યાદ આવ્યો અને હું તેની પાસે દોડ્યો.

તેને ઘેર આવતાં, મોજાંની રકઝક અને તેની પત્નીના નામ વિષેની મશ્કરી ચાલતી હતી તેમાં મને જરા પણ રસ પડ્યો નહિ. પોલીસ કમિશનરે તેને બોલાવ્યો હતો અને છતાં એ વાર કરતો હતો. એમ તેની પત્નીએ કહ્યું પણ મને કશી સમજ પડી નહિ. પોલીસ કમિશનર અગર બીજા પોલીસ અધિકારીઓ તેને કોઈ કોઈ વખત ચા પીવા અગર મળવા બોલાવતા તે હું જાણતો હતો, એટલે મને એમાં નવાઈ લાગી નહિ. પરંતુ એણે પોતાની પત્નીના બહાના નીચે બંસરી શબ્દનો ઉચ્ચાર કરી મારી સામે સ્મિત કર્યું એટલે હું ખરેખર ચમકી ઊઠ્યો. જ્યોતિને બંસરીના ખૂનની ખબર પડી શી રીતે, એ વિચારમાં હું પડ્યો. એટલામાં મને એણે પૂછ્યું :

‘પછી તું એનું નામ કેવી રીતે દઈશ ?’

‘કોનું ? હું ભાન ભૂલતો હતો. વ્રજમંગળાના નામની વાત ચાલતી હતી. તે વીસરી જઈને મેં પૂછ્યું. જ્યોતીન્દ્ર ખડખડ હસી પડ્યો અને બોલ્યો :

‘તારુંયે ભાન જતું રહ્યું લાગે છે. કોના નામ વિશે આપણે વાત થતી હતી?ʼ

'હાં હાં; હું હવેથી એમને મંગળાબહેન કહીશ.' મેં જવાબ આપ્યો. પરંતુ મારી ઇચ્છા એ વાત વધારે લંબાવવાની ન હતી. મારે કહેવાનું બીજું હતું અને તે કહેવાની મારી ઉત્કંઠા વધ્યે જતી હતી. જ્યોતીન્દ્રના ધ્યાન બહાર તે હોય હું એમ માનતો નથી. કારણ તેણે કહ્યું :

'બરાબર. જો તું એવી રીતે દીર્ઘસૂત્રી થતો અટકી જાય તો હું તને કોઈ નવાઈ ભરેલે સ્થળે લઈ જાઉં.'

‘હવે આ મોજાં તૈયાર થયાં છે, અને કમિશનર સાહેબને ત્યાંથી આ ત્રીજી વખત ટેલિફોનની ઘંટડી વાગી છે. હવે જવું છે કે બેસી રહેવું છે ?’ વ્રજમંગળાએ મોજાં દુરસ્ત કરી. જ્યોતીન્દ્રની પાસે મૂકી જણાવ્યું.

‘સુરેશ ! આની ઈચ્છા આપણને આજે ઘરમાંથી કાઢવાની લાગે છે. ચાલ ત્યારે, મોજાં પહરવા પણ શું કામ ઊભા રહીએ ?’

‘સુરેશભાઈ ભલે અહીં રહ્યા. તમને તો ઉતાવળથી બોલાવ્યા છે માટે જવાનું કહું છું.’ વ્રજમંગળાએ કહ્યું.

‘સુરેશ ! તારા તરફ પક્ષપાત લાગે છે. ભલે ત્યારે તું અહીં બેસ, હું જઈ આવું.’

'ના ના. મારે તારું ખાસ કામ છે, એક વાત કરવાની છે.' મેં કહ્યું. 'ત્યારે મારી સાથે ચાલ. રસ્તામાં વાત કરીશું. આજે એક વાતે પૂરું થાય એમ લાગતું નથી.' જ્યોતીન્દ્રે અર્થભર્યું વાક્ય ઉચ્ચાર્યું.

તેની પત્નીના કહેવા છતાં તેણે પોશાક બદલ્યો નહિ અને માત્ર ધોતિયું, પહેરણ અને ચંપલ એટલું જ પહેરી, મને સાથે લઈ, તે નીચે ઊતર્યો. જ્યોતીન્દ્રની મોટર નીચે ઊભી હતી. તેમાં બેસતાં બેસતાં મેં ધીમેથી કહ્યું :

'જ્યોતિ ! બંસરીનું ખૂન થયું !’

'હં.'

મેં કહેલી હકીકત માત્ર સાંભળ્યાનો ઉદ્દગાર તેણે કાઢ્યો.

'તને ખબર છે ?' જરા આશ્વય પામીને મેં પૂછ્યું.

'હા.' જ્યોતિ ગંભીર થઈ ગયો હતો. તેના ટૂંકા એકાક્ષર ઉત્તરો તેની વિચારમય સ્થિતિનું દર્શન કરાવતા હતા.

'તને કોણે કહ્યું ?' મેં પૂછ્યું.

‘અત્યારે તો કમિશનરે.'

‘એટલે અત્યાર પહેલાંની પણ તને ખબર છે કે શું ?' અજાયબીમાં એને પૂછ્યું. તેણે મારા સામું જોયું અને જવાબ દેવાને બદલે મને સામું પૂછ્યું;

‘તું બંગલે જઈ આવ્યો ?’

‘મને ત્યાં પેસવા કોણ દે ? વળી તને એમ નથી લાગતું કે મારાથી બંસરીના શબને જોવાય કેમ ?’ બંસરીના શબની કલ્પના મારા મગજમાં ખડી થઈ, હું ધ્રૂજી ઊઠ્યો અને મારી આંખે મેં મારા હાથ દાબી દીધા.

જ્યોતીન્દ્ર કાંઈ બોલ્યો નહિ. હું પણ મારા દુઃખમાં એવો ગરક થઈ ગયો હતો કે મારી વાચા બંધ થઈ. ઝડપથી દોડતી મોટરે જોતજોતામાં અમને પોલીસ કમિશનરને બંગલે પહોંચાડી દીધા.

અમારા સરખા સાદા માણસોને આ દમામદાર યુરોપિયન ઢબના બંગલામાં પ્રવેશ કેમ મળી શકે ? હું તે વિચારમાં હતો, પરંતુ જ્યોતિ તો સાથે મને લઈ ઝડપે બંગલામાં દાખલ થયો. કમિશનર સાહેબના શણગારેલા દીવાનખાનામાં પ્રવેશ કરતાં જ એક યુરોપિયન સાર્જન્ટે જ્યોતીન્દ્રને સલામ કરી અને અંદર ખાનગી ઓરડામાં એની રાહ જોવાય છે એમ જણાવ્યું.

'ત્યારે અંદર ખબર આપો કે હું આવ્યો છું.' જયોતીન્દ્રે કહ્યું.

‘જરૂર નથી, આપ જઈ શકો છો.’ સાર્જન્ટે કહ્યું. જ્યોતીન્દ્રની સાથે હું પણ અંદર જવા લાગ્યો, એટલે વિવેકથી સાર્જન્ટે મને કહ્યું :

'આપ અહીં બેસો.'

મારાથી જ્યોતીન્દ્રનો સાથ છોડાય એમ નહોતું. એકલો પડવાથી પાછો હું વિચારે ચઢી જઈશ. એ ડર હતો. મેં જ્યોતીન્દ્રની સામે જોયું. તેણે સાર્જન્ટને કહ્યું :

‘એમને અંદર આવવા દેવામાં હરકત નથી; મારી સાથે જ છે.' સાર્જન્ટે જ્યોતીન્દ્રનું કહ્યું માન્યું અને મને સાથે જવા દીધો.

‘જ્યોતિ ! આ તો જાણે તારું ઘર હોય એમ લાગે છે. તારે પોલીસ કમિશનરનું આટલું બધું ઓળખાણ છે ?’ મેં પૂછ્યું.

‘તું જોયા કર.’ એટલો જ એણે જવાબ આપ્યો.

કમિશનરના ઓરડાનું બારણું બંધ હતું. જ્યોતીન્દ્રે બારણા ઉપર ટકોરો માર્યો.

એક યુરોપિયનનો ભારે ઘૂંટાયેલો અવાજ સંભળાયો :

‘અંદર આવો.'

બારણું ખોલી અમે અંદર ગયા. ત્રણેક હિંદી અમલદારો અને બે યુરોપિયનો એક મોટા મેજની આજુબાજુ વીંટળાઈને બેઠા હતા. કમિશનરે હાથ મેળવ્યો. મારા સામે બધા જોઈ રહ્યા હતા.

‘આ ગૃહસ્થ કોણ છે ?’ કમિશનરે મને ઉદ્દેશીને પૂછ્યું.

'તમારા શકદારમાંનો એક.' જરા સ્મિત કરી જ્યોતીન્દ્રે કહ્યું.

‘શકદાર ! અહીં કેમ ?'

‘મારી દેખરેખ નીચે છે.' જ્યોતીન્દ્રે કહ્યું.

હું શકદાર ! અને તે જ્યોતીન્દ્રની અટકમાં ! હું આાભો બની ગયો. મને સમજ પડી નહિ, મને અહીંથી પકડશે કે શું ? મારા ઉપર શાનો શક ? શું ખૂનનો આરોપ મારા ઉપર ઊતરે છે ?


Rate this content
Log in

Similar gujarati story from Classics