વસંતે કલશોર કર્યો ભાઈ
વસંતે કલશોર કર્યો ભાઈ
વસંતે કલશોર કર્યો ભાઈ,
વાયરે વગડો ઝૂમ્યો
ઋજુ રતુંબલ સંદેશા લઈને,
ટહુકો વનપથ ઘૂમ્યો,
ઘૂમ્યો વનપથ ઘૂમ્યો.
કુસુમ કટોરા ભમ્મર ભમતા,
છલકંત સૌરભ ડેરા,
વહેતા મદમાતા વાયરા વદતા,
આજ વાસંતી મેળા,
મેળા વાસંતી મેળા.
ફાગે આ ફાગણ ચૈતર ચીતરે,
પાવન રંગ પરોઢી,
તરૂવર વનચર પંખી હરખે,
રમે છૂપાછૂપી ઓઢી,
ઓઢી..છૂપાછૂપી ઓઢી.
વસંતે વસુધા મા ભરતી સુધા,
કેસૂડો મલકે વાટે,
ફૂલ મુલાયમ ઝાકળ ભીંના,
સ્નેહની છાંટું છાંટે,
છાંટે છાંટું છાંટે.
મસ્તી ભર્યો મનમોર મસ્તાનો,
નાચે રસીલો ઢોલે,
વ્હાલ વેલીના આ વીંટળાઈને,
વાલમ વાલમ બોલે,
બોલે વાલમ બોલે.
વત્સલ વિહંગો હૈયાં ગૂંથે,
સંગીત છેડે ધીરે,
મધુર સ્વરના વનના પાવા,
આશીષ રમે શીરે,
શીરે રમે શીરે.
વાહ ! વાસંતી સરપાવા સલૂણા,
રાજી વનરાજી ઝૂમે,
રમે નટખટ વાયરા ઘેલૂડા,
જોબનિયું સોણલે ઝૂલે,
ઝૂલે સોણલે ઝૂલે.