વરસાદમાં
વરસાદમાં
યાદો ઘણી ઘેરાય છે વરસાદમાં,
આંખો પછી છલકાય છે વરસાદમાં.
ઓઢીને લીલી ચૂંદડી કોઈ નવી,
કેવી ધરા શરમાય છે વરસાદમાં.
છો ને પડે ફોરાં બધાં તનની ઉપર,
મન પણ સદા ભીંજાય છે વરસાદમાં.
પિયુના વિયોગે ધાર અશ્રુની વહે,
ના આંખમાં દેખાય છે વરસાદમાં.
મધુરાં મિલનનું ના રહે ટાણું જરા,
ત્યાં શબ્દ ભીના વંચાય છે વરસાદમાં.
મોસમની માદકતા છવાતી ચોતરફ,
નાદાન દિલ ખોવાય છે વરસાદમાં.
ઝરમર વરસતાં મેઘ સંગે, મીઠડો
રસ પ્રેમનો ઢોળાય છે વરસાદમાં.
ભીના એક સ્પર્શે, સ્નેહભીની વાંછટે,
પ્રેમીજનો હરખાય છે વરસાદમાં.
મનની મહેફિલમાં જો ગુંજે પ્રેમ "ગીત",
હૈયે ગઝલ રેલાય છે વરસાદમાં.

