વરણાગી ગીત
વરણાગી ગીત
તમે ઘૂઘવતા દરિયાનાં મોજાની મોજ,
હું તો વહેતી નદીઓનું વરણાગી ગીત,
તમે આભલાનાં આસમાની વાઘા પહેરો,
હું તો ઓઢી લઉં વરસેલા વાદળની પ્રીત.
છૂટા મૂકી દયો તમે મનગમતા ઓરતા,
મનમાં ન બાંધો કોઇ આડ,
અમને તો સાંભળવો ગમતીલો ટહુકો,
હોય ભલે બાંધેલી વાડ,
તમે વહેતાં વાયરાની કોઈ છૂટી લહેર,
હું તો મહેકતાં મોગરાની આછી લકીર,
તમે ઘૂઘવતા દરિયાનાં મોજાની મોજ,
હું તો વહેતી નદીઓનું વરણાગી ગીત.
ઉઠાવી હાથ તમે ખોલી દયો જાતને,
વહેતું કરીને ગુલાલ,
થનગનાટ કરતું એ મન મારું દોડતું,
કરવાને આલિંગી વ્હાલ,
તમે ટોડલેથી ટહુકતાં મોરલાની જાત,
હું તો ઢેલડી ને પેઠે ઝૂરતી અમીટ,
તમે ઘૂઘવતા દરિયાનાં મોજાની મોજ,
હું તો વહેતી નદીઓનું વરણાગી ગીત.
ટહુકો કરો તો હવે પોતીકું લાગશે,
પાલવ ને મ્હોંરશે પાન,
રાતોના અંધારા ઝગમગતા થઈ જાશે,
પૂનમની ઉભરાશે આન,
તમે પાળે બાંધેલા એ સરોવરનું હીર,
હું તો ઊગેલી પોયણીનું રંગીલું સ્મિત,
તમે ઘૂઘવતા દરિયાનાં મોજાની મોજ,
હું તો વહેતી નદીઓનું વરણાગી ગીત.
