વૃક્ષનું કેલેન્ડર
વૃક્ષનું કેલેન્ડર


વૃક્ષ કેલેન્ડર ક્યાં હશે લટકાવતું ?
પાનખરે પાન વૃદ્ધિ કોણ અટકાવતું ?
વસંતના વધામણાંનો છૂપો સંદેશ,
કળીને વળી ખીલવાનો દ્યે આદેશ.
વિના વનમાં ઘડિયાળ કે પંચાંગ,
સુવા ઉઠવાનો ક્રમ થાય અંગેઅંગ,
ખેતરે નહિ તિથિ ને નહીં તોરણ,
સવારે ખીલે વગડે ફૂલ મહીં રણ.
તારિખીયું વેલી પુષ્પે રહે અકળ,
બિન મિતિ નિયમિત ચાલે સાંકળ,
પર્ણ ફૂલ રંગ મધ્યાહ્ને કરમાતા,
લજામણી પાન સ્પર્શે શરમાતા.
ચોમાસે લીલેરો રંગ કોણ છાંટતું,
મધરાતે ફૂલમાં મહેક કોણ બાંટતું,
આડા ઉભા મૂળિયાં કોણ ફેલાવતું,
શિયાળે બોર ગ્રીષ્મે કેરી કોણ લાવતું.