વિધવા ભાગ-60 ખરાબ આશંકા
વિધવા ભાગ-60 ખરાબ આશંકા
આજ પિયુ મારા મનમાં રે અમંગળ વર્તાય.
જુઓ મારી આંખ ફરકે, મનમાં કૈં કૈં થાય,
ફૂલ બધાં બિડાવાં લાગ્યાં, વાયુ રોકાય જાય;
એ... પૂર્વની વાદળી આજે, પશ્ચિમમાં ભાગી જાય, પિયુ મારા...
સૂરજ આજ ડૂબી ગયો, ચંદ્ર સંતાય જાય,
તારલા આજ ભાગી ગયા, કોણ શોધવા જાય ?
એ... વાદળાયે છાનાછપ, વીજળી રાણી રીસાય, પિયુ મારા...
નદીઓનાં વહેણ બદલ્યાં, ઊંધાં ચાલ્યાં જાય,
સમુદ્ર જાણે ખાલી થાય, ખાડા ભરાય જાય;
એ... પશુઓ પાણીમાં ગયાં, માછલી ભૂમિમાં જાય, પિયુ મારા...
મોરલો આજ નાચતો નથી, કોયલ ન ગાય,
વસંતઋતુમાં જાણે પાનખર આવી જાય;
એ... પાણી પડતું બંધ થયું, ગરમીથી નહાય, પિયુ મારા...
ફૂલ ખુશબૂ છોડતું નથી, ભમરો ખાલી જાય,
બાગનું રખોપું કરતો માળી કેમ મૂંજાય?
એ... કાળની થપ્પડ પાસે, પાણીપણું વીસરાય, પિયુ મારા...
વીણા લીધી હાથ માંહે પણ સૂર ન કઢાય,
સુખ તો દૂર ભાગી ગયું, દુઃખનો વાયુ વાય;
એ... પ્રભુની નિર્દયતાથી, કોઈનું સ્વપ્ન રોળાય, પિયુ મારા...
અરમાનો જે દેતો, એ જ કેમ ભરખી જાય,
યમના ઘરે દીપક ઝબક ઝબક થાય;
એ... ધીરે ધીરે પ્રકાશ એનો, કેમ તો ઝંખવાય, પિયુ મારા...
મંજિલ તો દૂર છે ને તોફાન આવતું જાય,
સઢ તૂટી જાય, નાવ હાલક-ડોલક થાય;
એ... મધદરિયામાં મારી, નાવલડી ડૂબી જાય, પિયુ મારા.
