વિદાય
વિદાય
ખાસ મિત્ર સાથે થઈ આત્માની અંતિમ વિદાય,
પથ્થર બની હું જોઈ રહ્યો આ શરીરની વિદાય !
તનોમંથન, મનોમંથન કરી કર્યું આત્મમંથન,
દાવાનળ જેવા જીવનમાં કેવું ખાટું મીઠું મનોરંજન,
હર સાંજે મને લાગ્યું સૂરજ મારો ઢળે !
...ખાસ મિત્ર સાથે.
પગ અટકયાં, હાથ ખાલી, આંખ ઢળી ગઈ જો,
શબ્દરહિત કાન ને મુખનું મૌન, ચૂપકીદી થઈ જો,
કહે કર્મેન્દ્રિય હું તો ચૂપ થઈ ગઈ જો !..ખાસ મિત્ર સાથે.
થાકીને કેવો છૂપાયો નાકથી આ શ્વાસ,
ફફડાટ આ સૂકા હોઠનો શાંત થયો આજ,
ધીરે પગલે વેરી થઈને મરણ આવ્યું કેવું પાસ ! ..ખાસ મિત્ર સાથે.
નસના દોરાનો ધબકાર રહ્યો નહીં હવે,
જીભનાં રસ્તે સ્વાદ રહ્યો નહીં હવે,
ડાળીએથી પંખી ઊડ્યું વલખીને હવે ! ...ખાસ મિત્ર સાથે.
ખીલી, ઝૂલી, વહી, ભમી, હસીને,
કહી, સહી, રડી, મળી, કકળીને,
છૂપાયેલા મોતને કેવો મેં આવકાર્યો ! ..ખાસ મિત્ર સાથે.
સમયનાં વહેણમાં તાપણું બની સળગ્યો,
આનંદ વેરતા, લાગણી પંપાળતો હું રહ્યો,
જીવતરની સિતારને ખાસ રણકાવતો ગયો ! ...ખાસ મિત્ર સાથે.
પુરબહાર, શાનદાર વિસર્જન થશે આ કાયાનું,
હળવે રહીને વિસ્મરણ કરીને હરણ આત્માનું,
ચિતાના ખોળે ખુદનું સ્થાન શોધી રહ્યો ! ..ખાસ મિત્ર સાથે.
ખાસ મિત્ર સાથે થઈ
આત્માની અંતિમ વિદાય,
પથ્થર બની હું જોઈ રહ્યો આ શરીરની વિદાય !
