વહાલી દીકરી
વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી.
ભર બપોરે દોડી,
બારણું ખોલી,
ધરે જળની પ્યાલી,
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે,
ગાયે તો અમી ઝરે,
ગુણથી શોભે પૂતળી,
વહાલી દીકરી.
રમે હસતી સંગ સખી,
માવતર શીખવે પાઠ વઢી,
સૌને હદયે તારી છબી જડી,
વહાલી દીકરી.
વીતી અનેક દિવાળી,
જાણે વહી ગયાં પાણી,
સોળે ખીલી રાણી,
વહાલી દીકરી.
પૂજ્યાં તે માત પાર્વતી,
પ્રભુતામાં માંડવા પગલી,
દિન વિજયાદશમી,
વહાલે વળાવું દીકરી.
લેવાયાં લગ્ન આંગણિયે,
મહેકે સુગંધ તોરણિયે,
વાગે શરણાઈ ને ઢોલ,
શોભે વરકન્યાની જોડે.
વિપ્ર વદે મંગલાષ્ટક,
પીળા શોભે કન્યાના હસ્ત,
આવી ઢૂકડી વિદાય વેળા,
માવતર ઝીલે છૂપા પડઘા.
હૈયે ન સમજાય વ્યથાની રીતિ,
વાત કેમ કહેવી બોલે દીકરી.
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ,
વગર વાંકે ખમ્યા સૌના તોલ,
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી,
કેમ સૌ આજ મને દો છોડી.
આવી રડતી બાપની પાસે,
બોલી કાનમાં ખૂબજ ધીરે,
કોને બોલશો–વઢશો પપ્પા હવે ?
હું તો આજ સાસરિયે ચાલી.
કેવું અંતર વલોવતા શબ્દ બોલી,
જુદાઈની કરુણ કેવી કથની,
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી,
આજ સંબંધની સમજાણી કિંમત ભારી.
આંખનાં અશ્રૃ બોલે વાણી,
નથી જગે તારા સમ જીગરી,
તું સમાઈ અમ શ્વાસે દીકરી,
તારા શબ્દો ટપકાવે આંખે પાણી,
ઓ વહાલી દીકરી,
ઘર થયું આજ રે ખાલી.(૨)