વાત્સલ્ય
વાત્સલ્ય


વાત્સલ્યના પ્રકાશપુંજમાંથી,
એક કિરણ છૂટું પડ્યું,
નિરંતર શક્તિ સ્ત્રોતમાંથી,
ચૈતન્ય ફેલાઈ રહ્યું.
વિધાતા દ્વારા અદભૂત સર્જન થઈ રહ્યું,
ઈશ્વર કહે, 'પૃથ્વી પર કઈ રીતે અવતરવું ?'
વિચારો વિમર્શને અંત આપી, સર્જન શરૂ કર્યું,
પૃથ્વી પર અવતરણ કરાવવા માનું સર્જન કર્યું,
મખમલી હથોડી લઈ, કઠણ કાળજુ ઘડ્યું,
કાળજા પર એમણે ફૂલ જેવું આવરણ રચ્યું,
હળવે હાથે પંપાળીને એવો ઘાટ ઘડ્યો,
તૂટે અંદરથી, સ્મિતથી ઘાવ સંધાય ગયો,
સંતાનના સુખ દુખ પારખવા,
હદયની આંખ રચી
બંધ આંખે સઘળું પારખી,
હિતકારી દિશા આપી.
હાથ પગ મઠારી ને,
ઉછેર કરવા સક્ષમ કર્યા,
ફરજ નિભાવતા નિભાવતા,
બાળને ઉછેરી શક્યા.
અંતે કૃતિ તૈયાર થઈ,
પણ હૈયામાં કેમ નમણાશ ?
પ્રભુ કહે વિશ્વાસ રાખ,
મારા કરતાં તારું મોટું નામ.