ઉપહાસ છે
ઉપહાસ છે
જિંદગી તો સુખનો આભાસ છે,
માણશો તો પળ બધી ઝક્કાસ છે,
યાદ છે ભૂલી જવાની વાત સૌ,
એટલે જીવનમાં થોડો ત્રાસ છે,
સ્નેહની ગાગર છલોછલ છે છતાં,
પ્રેમની બુઝાતી જ ના પ્યાસ છે,
મન ભરી જીવી શકે ના માનવી,
જ્યાં બધે ઈચ્છા તણો બસ વાસ છે,
મનનાં ઉપવનમાં વસે જ્યાં મંથરા,
ત્યાં ખુશીઓનો સદા વનવાસ છે,
છે ધરાનાં સૌ પ્રવાસીઓ પરંતુ,
કાયમી હોવાનો સૌને ભાસ છે,
છેતરે સૌ એકબીજાને ઘણું,
લાગણીઓનો બધે ઉપહાસ છે.
