ટપાલ..
ટપાલ..
ખોલ્યો ખજાનો પત્રોનો,
મળી એક મોંઘેરી ટપાલ‘ને,
હૈયા મહીં મેં અનુભવી તને
મા, હસતી ખુશખુશાલ !
અક્ષરોના તારા મરોડમાં મેં,
અનુભવ્યું બાળપણ રમતિયાળ,
ને, બે પંક્તિ ઓ વચ્ચેની ખાલી જગામાં,
જડયું અદકેરું વહાલ !
ચહેરાયેલા એ અક્ષરોમાં,
અનુભવી ચિંતા અપાર,
ને, ક્યાંક રડેલી આંખોમાં,
ઉદાસી ભાળી પહેલી વાર !
શેરીના સરનામાંમાં,
મેં જોઈ ઘરની પરસાળ,
ને, કરેલા એ સંબોધનમાં,
અનુભવી તને સામી પાળ !
