મારા સાયબા
મારા સાયબા
દીપક તારા કોડિયે નાનકડી હું વાટ, મારા સાયબા!
હસતું મુખડું દેખી મુજ હોઠે છે મલકાટ, મારા સાયબા!
ભીતર રાખ્યાં પુમડાં, પ્રેમ અત્તરમાં બોળી - ઝબોળી,
ચો તરફ છે એ જ સુગંધી પાવન છાંટ, મારા સાયબા!
તેજ સમ તું ઝળહળે ને હું અજવાળું ઝાંખું - પાંખું,
હું પ્રતિમા કંડારેલી તું શિલ્પી તું જ સલાટ, મારા સાયબા!
અવસર આવ્યો આંગણિયે જો મીઠો -મીઠો, રૂડો - રૂડો,
જેમ ઊડે પંખી નભમાં, હીંચકું હિંડોળાખાટ, મારા સાયબા!
મારાં ગીતો મારા શબ્દો પાછળ તારો પ્રેમ ઊભો છે;
'દીપ' ની સંગે 'હર્ષ'ની ખુશ્બુનો છે પમરાટ, મારા સાયબા!