તરબતર
તરબતર
તારા સ્મરણોની વર્ષાથી આ રૂદિયાની ધરા થઈ તરબતર,
ને મારી આંખો પણ છલકાઈને આંસુઓથી થઈ તરબતર !
અંતર આકાશ પણ છવાઈ ગયું વ્હાલપના વ્યથિત વાદળોથી,
સૂરજ ચાંદ સમી આંખો પણ અસ્તિત્વની થઈ તરબતર !
હવે જરૂર એવું લાગે છે કે રડયું છે આભ આખી રાત એકલું,
તો જ નાજુક પંખૂડીઓ આ ફૂલોની ઝાકળથી થઈ તરબતર !
ઉઘડી ગયા અધરો કુમળી કળીઓના આજે અમથા અમથા,
ને આ અલગારી હવા પણ માદક મહેકથી થઈ તરબતર !
"પરમ" તારા સુમિરનનું સાતત્ય શ્વાસે શ્વાસે બક્ષે બંદગી નવી,
હવે આ મીરાં જેવા "પાગલ" પનથી થઈ જિંદગી તરબતર !