તારા સુધી
તારા સુધી
કોઈ આવીને મને લઈ જાય છે તારા સુધી,
ભાન છે બસ આટલું, જીવાય છે તારા સુધી.
મૌન રહીને બે અધર સંવાદ ચાહતનો કરે,
ધન્ય છું, નિ:શબ્દતા પડઘાય છે તારા સુધી !
રેત ને રસ્તા સરીખું સંવનન આ આપણું,
શૂન્યતાનું રણ મને લઈ જાય છે તારા સુધી.
ના પરિચય ગાઢ તો પણ કેવી આ દીવાનગી ?
લોહચુંબક જેમ મન ખેંચાય છે તારા સુધી.
સ્હેજ આસું છલકે જો મારા નયનથી તો પછી,
પૂરની માઠી અસર વર્તાય છે તારા સુધી.
સાવ નિર્જન પ્રાંતમાં એકાંત જો ઘેરી વળે,
એ પછી રસ્તા બધા ફંટાય છે તારા સુધી !
"ચાહું છું" બસ આટલું કીધું હતું તેં એકવાર,
ત્યારથી ચાહતના તળ લંબાય છે તારા સુધી.
શ્વાસમાં તું,ચાહમાં તું,હરઘડી સંગાથમાં તું
"તું" ને "તું" ની વાત શું ચર્ચાય છે તારા સુધી ?
બંદગીમાં હો ખુદાનું, સ્થાન ત્યાં તારુંય છે,
આંખ બે મીચું, તરત પહોંચાય છે તારા સુધી.

