STORYMIRROR

Dikshita Shah

Others

4  

Dikshita Shah

Others

તરસતી લાગણી

તરસતી લાગણી

1 min
327

બીજું તો શું કરું હું આ સરકતી લાગણી માટે ?

ઘણું ગમતું ગુમાવ્યું છે મેં ગમતી લાગણી માટે,


તબીબોના જગતની એક મર્યાદા છતી થઈ એમ

ઉપાયો ના મળ્યા એકે સબડતી લાગણી માટે !


એ નોંધારી, બિચારી, બાપડી ક્યાં જાય ? જઈ જઈને ? 

અનાથાશ્રમ દિલે ખોલ્યું રઝળતી લાગણી માટે,


કશું જોયા વિના ગીરો મૂકી મેં શુદ્ધતા સો ટચ,

બગસરાના ઘરેણાં સમ ચળકતી લાગણી માટે,


ન પૂછો કેમ, ક્યાં, ને કેટલું પામી શકાયું છે ?

જીવનભરની વ્યથા વ્હોરી અછડતી લાગણી માટે,


"હું જે પણ કહીશ સાચું કહીશ"ન્યાયાલયમાં કીધું પણ,  

હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો કનડતી લાગણી માટે !


મને મારા વિશે પૂછી શરમમાં કેમ મૂકો છો ? 

બધું જાણ્યા છતાં ગઈ જેલ છળતી લાગણી માટે,


પ્રવાહિતાનું જડ વળગણ છે કેવું હાવી હું શું કહું ?

સમંદર આંખમાં રાખ્યો તરસતી લાગણી માટે ! 

 

નિશાની પ્રેમમાં પાગલ થયાની હોય શું બીજી ?

મને મેં ખુદ ગુમાવી છે અમસ્તી લાગણી માટે !


Rate this content
Log in