સૂર્યોદય
સૂર્યોદય


પ્રજ્વલિત મશાલ પ્રગટી જહીં પૂર્વમાં પ્રભાતે,
દર્શન દઈ દિવાકરે સર્જી સુંદર રમ્યશી ભાતે,
ગયું તિમિર ને જ્યોતિ પ્રકાશ્યો શુભ સવારે,
હિરણ્ય સમ ક્ષિતિજ ચડ્યા આદિત્ય અસવારે,
તજી તરુવર વિહંગ વિચર્યા નભને આંબવા,
ચમક્યા હરિત પર્ણ ઝૂમ્યા દ્રુમ ઓસ છાબવા,
રણકતી ગોંદરે ગાય જાણે ઉતારે રવિ આરતી,
સાંભરી વછેરું ચોંટ્યું આંચળે શ્વેત ક્ષીર ઝરતી,
શીર પર નીર ભરી કૂવે કામણ પાથરે પનિહારી,
પાદરે શકટ પર સવાર થઇ કૃષિકર બલિહારી,
ગુંજે વલોણાં મહી વલોવતા રેલાવે સપ્ત સુર,
સેજ પારણે ઉઠતા બાળ દેખી ચડ્યું માનું નૂર,
પ્રગટી જહીં પૂર્વમાં પ્રભાતે પ્રજ્વલિત મશાલ,
પાથરી રજત પૃથ્વી પર દિ ઉગ્યો નભ વિશાલ.