સમય સરકતો જાય છે
સમય સરકતો જાય છે
આ સમય પણ હાથમાંથી જો સરકતો જાય છે,
કાળ જેવો એ બની સૌને ભરખતો જાય છે.
વૃદ્ધ થઇને આવશે એ સ્હેજ તો આગળ જતાં,
દેહની આ કરચલીઓમાં ફરકતો જાય છે.
ના થયું ધાર્યું કશું ઓ માનવી તારા થકી,
એટલું કહેતો જરાં આછું મરકતો જાય છે.
જિંદગી ભર મૂલ્ય એનું તેં કદી આંકયું નહીં,
ના મળી સાચી દિશા, જો'ને રખડતો જાય છે.
આ જગતમાં કોણ કેવું એ ખબર પડશે "ખુશી"!
માનવીને સત્યની ધારે પરખતો જાય છે.
