સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર


રચીને દ્વીપકલ્પ દક્ષિણ ને પશ્ચિમમાં ઘૂઘવતો સાગર,
સોરઠે ભાલમાં તિલક તાણ્યું ને ગીરનારે વસ્યા નાગર,
સરસ્વતી કપિલ હિરણ ત્રિવેણી સંગમે પ્રભાસ પાટણ,
પીપળ છાંયમાં કૃષ્ણે કર્યું જ્યાં રામનામનું છેલ્લું રટણ,
સોમનાથ શિખરે ગુંજતો જ્યોતિર્લિંગ શિવનો શંખનાદ,
દ્વારકા બન્યું દેવભૂમિ જ્યાં પડ્યા રાજવી કૃષ્ણના પાદ,
ભાદર ભોગાવો મચ્છુ ને શેત્રુંજી પખાળતી કાઠિયાવાડ,
સાસણગીર ખેતરે પાકતી કેસર સંભળાય સિંહની ત્રાડ,
સુદામાપુરી ગૂંજતું થયું કીર્તિમંદિર પ્રગટી બાપુ ગાંધી,
પોરબંદરથી રાજઘાટ વિશ્રામ કર્યો દઈ અહિંસા આંધી,
કવિઓ કંઈ પાક્યા નરસિંહ, કલાપી, કાન્ત ને ધૂમકેતુ,
દલપત, નાનાલાલ ને મેઘાણીએ બાંધ્યા સાહિત્ય સેતુ,
રચીને દ્વીપકલ્પ દક્ષિણ ને પશ્ચિમમાં ઘૂઘવતો સાગર,
ખત્રી જઈ વસ્યા મદુરાઈ દક્ષિણે ભળ્યા દૂધમાં સાકર !