સાથી
સાથી
તું મારા માટે દુનિયા સાથે,
લડી શકે એવો નહી,
પણ ક્યારેક જો હું ગુસ્સો કરું તો,
એનું કારણ અનુભવી શકે એવો સાથી બનજે.
તું દુનિયાભરની સવલતો લાવવા,
પ્રયત્નશીલ રહે એવો નહી,
પણ મારી બધી જ ખુશીઓમાં,
ખુશી અનુભવી શકે એવો સાથી બનજે.
તું ક્યારેય મારી આંખોમાં,
આંસુંના આવવા દે એવો નહી,
પણ મારી આંખોમાં રહેલી વેદના,
અનુભવી શકે એવો સાથી બનજે.
તું ભલે હરહંમેશ મારી,
આસપાસ રહે એવો નહી,
પણ સાથે વિતાવેલી પળોમાં,
પ્રેમ અનુભવી શકે એવો સાથી બનજે.