સાગર વંદના
સાગર વંદના
સાગર છે બસ ખારો ખારો, એટલું જ શું તમે જાણો ?
અગાધ જળરાશિનો સ્વામી, છલકે લઈ ઉપકારોની ખાણો.
યગોયુગોથી સહેતો રહેતો, ઉરે વડવાનલની ગરમી,
શીત સાગરથી લહેરાવી સમીર, ઠંડી કરતો ધરતી.
બાહુબળી જળચરો રમાડે, અગાધ ઊંડે પાણી,
અમૃત કુંભ અર્પી વિશ્વને કરતો રે ઉજાણી.
તપી સૂરજની શાખે, ઘૂઘવે વેદનાથી રે વરવો,
પૃથ્વી પટલે ધરે, મેઘની છત્રછાયા થઈ ગરવો.
સાંજ- સવારે ખીલવે રુપડાં, જોયા કરતા પ્રભુજન,
નારાયણ પોઢે તારે આંગણ, એવો તું દિલનો મહાજન.
જળનો લોટો મોટો કહી, ખૂબ વગોવ્યો તુજને,
તારી શક્તિ પિછાણી જ્યારે, વંદન કરીએ હરખે.
સાગર છે બસ સાગર રાજા, રમાડે અજબ સૃષ્ટિ ન્યારી,
તું રમાડે, તું જિવાડે, ખીલવે ધીંગી ધરાની ક્યારી.
