સાચી પ્રાર્થના
સાચી પ્રાર્થના
પ્રાર્થના કરવાની દરેકની પોતાની આગવી રીત છે,
માત્ર માંગ માંગ કરવાવાળા, સાચી પ્રાર્થનાથી વંચિત છે,
કેટકેટલું આપ્યું છે ભગવાને, વિચારીએ જો સાચી રીતે,
ભગવાનને કરતા રહીએ ધન્યવાદ, એમાં જ હિત છે,
આપણી ચારેય બાજુ ભલે ને હોય નકારાત્મકતાનાં કંપનો,
‘ૐ સર્વે ભવન્તુ સુખિન:’ના વિધાયક ભાવમાં, પ્રાર્થના પ્રતીત છે,
વિદાય હોય આપણા પ્રિયજનની કે હોય કન્યા વિદાય,
લાગણીથી નિતરતી દુવાઓમાં પ્રાર્થનાની પ્રીત છે,
તન, મન અને ધનથી મદદ કરતા રહીએ જરૂરિયાતમંદને,
દરિદ્રનારાયણના સ્મિતમાં પ્રાર્થના ગર્ભિત છે,
પ્રાર્થનામાં રહીને શુભ કાર્યો કરતા રહેવામાં રહે છે દિલ પુલકિત,
સાચી પ્રાર્થનામાં ખરેખર તો પોતાનું જ લાભ નિમિત્ત છે.
