રે પરદેશી, સૂણ કહે પંખીના માળા
રે પરદેશી, સૂણ કહે પંખીના માળા
દૂર ડુંગરીયે વાદળ ઘૂમે…ઘૂમે,
ને ઘૂમે મન મારું ચગડોળે દેખી માળા…પંખીના માળા.
રે પરદેશી, સૂણ કહે પંખીના માળા
દે સંદેશા, કેવા આ જીવનના સરવાળા,
ભલે મળ્યું તને ગગન મોટું, ગઈ છે માળાની હૂંફ વછૂટી
વસ્યો પરદેશે તું સ્વપ્ન સજાવવા, હૂંફ મમતાની માળા તૂટી,
રોશની સાહેબી સુખ સુંવાળી
હેત પછેડી ના અંતરે તેં ભાળી,
એ માટીની મ્હેંક જ જુદી, પ્રીતની એની રીત જ જુદી
યાદ કરું ખાલીપો પૂરતાં અજવાળાં…
રે કેવા આ જીવન સરવાળા,
લાગે વ્હાલા લીમડે ઝૂલતા માળા
મોર કોયલ ને કાબરનાં કલબલ ટોળાં
વન વગડો ડોલાવે ડુંગર કાળા
સંત શૂરાના પાદરે પાળિયા પાળા
યંત્રોના ઘૂઘવાટમાં ભૂલ્યો નીજ તારો…
રે કેવા આ જીવનના સરવાળા,
અંજળ ખૂટ્યાં ને થયો રે પરદેશી
પણ ઝૂલાવું હૈયે સૌરભ સ્વદેશી
નથી નથી ભૂલ્યો મા રોટલા હાથના તારા
યાદ સદા બાપના ખાનદાની ખોરડાં મારા
છે યાદ છાપરે હૂપાહૂપ કરતાં બંદર ટોળાં
વ્યથા મૂંઝારા ઓગાળું સાત સમંદર ભેળાં,
મન મારું મમતાને તરસે
નયનો શ્રાવણ થઈને વરસે
આતુર આંખો, ગામનું લાગે ના કોઈ પરાયું
વિપદ વેળા ધાયે થઈ હર કોઈ સવાયું,
પારણે ઝૂલ્યો, બારણે ઝૂલ્યો… ઝૂલ્યો ઝૂલે થઈ ગામનો લાલો
સંગેમરમરમાં સંવેદના શોધું, વ્હાલા વતન આગળ સૌ કોઈ ઝાંખું
યાદ આવે મા વ્હાલ રે તારા,
ભાળું સાચા સંદેશા દે પંખીના માળા… રે કેવા આ જીવન સરવાળા.
