રાતને અજવાળજો
રાતને અજવાળજો
આંખમાં સપનાં ભરીને રાતને અજવાળજો,
જાતને ફાનસ કરીને રાતને અજવાળજો,
જો અમાસી રાતમાં એ તારલા પણ ના જડે,
તો તમસને છેતરીને રાતને અજવાળજો,
પંથ દુર્ગમ હોય ને રાવણ જો આવે માર્ગમાં,
રામને હૈયે સ્મરીને રાતને અજવાળજો,
દાન લાખોનું કરો પણ હોય બાંધવ ભીડમાં,
હાથને આગળ ધરીને રાતને અજવાળજો,
ધર્મની નૈયા અને સાથે હલેસાં ધૈર્યનાં,
કર્મનો સાગર તરીને રાતને અજવાળજો,
માનવી દાનવ બને ને ભાન ભૂલે તાનમાં,
કોક કૂખે અવતરીને રાતને અજવાળજો,
શ્વાસ તૂટેને બધે અંધાર વ્યાપી જાય જો,
તો લખી કંકોતરીને રાતને અજવાળજો,
સત્યની પડખે રહી, લડવું પડે સંસારમાં,
જાત આખી જોતરીને રાતને અજવાળજો,
છે જગત અળવીતરું ને પાપની 'હેલી' વહે,
પુણ્ય પૂંજી વાપરીને રાતને અજવાળજો,
