રાહ ક્યાં જોવાય એવી છે?
રાહ ક્યાં જોવાય એવી છે?


તમે પાંપણ ઉઠાવો તોય ક્યાં વંચાય એવી છે ?
તમારી આંખ તો જોતા જ બસ ડૂબાય એવી છે,
હશે સાચું બધીયે રાતની પાછળ સવાર આવે,
તમે સપનું બનો તો રાત પણ લંબાય એવી છે,
ન આગાહી, ન ચેતવણી, ન બચવાનો કોઈ રસ્તો,
તમારી યાદ તો વરસાદથી પણ જાય એવી છે,
ચીતરતા'તા પળેપળને અમે તો કલ્પના સમજી,
તમે આવ્યા તો લાગ્યું દ્રશ્યમાં પલટાય એવી છે,
ગઝલમાં આમ જુઓ તો લખું છું ક્યાં કશુયે ખાસ,
તમારું નામ આવ્યું તો થયુ વખણાય એવી છે,
વીત્યા છે જે રીતે વર્ષો હવે એક પળ નહીં વીતે,
તમારાથીયે કહોને રાહ ક્યાં જોવાય એવી છે ?