પરમ અપેક્ષા
પરમ અપેક્ષા


આજ અંતર ઉપર અમથો,
અમથો આનંદ કોતરાવી લે.
એમ કરીને સઘળા સંબંધોને,
અનુરાગથી ઉપસાવી લે.
જીવન સંઘર્ષના દિપ પ્રગટાવી, ઉજવી લે આજ દિવાળી.
ને પછી પ્રત્યેક પળને પ્રેમથી તું,
નૂતન વર્ષ બનાવી લે.
રંગ રુદિયાના કરી લે વેરવિખેર, મુક્તિના આકાશમાં.
રંગોળી આ જીવતરની, મેઘધનુષની જેમ શણગારી લે.
ઘોર અંધકારના મોત પછી આ, જીવે અજવાળું હજી પણ -
બસ આવી જ રીતે તું દિપક, માણસાઈના પ્રગટાવી લે.
ધૂપસળીની ધુમ્ર્સેરમાં રચાઈ, જાય તારો એક ચહેરો.
બસ એક વાર આમ જ્યોત બની,
જાતને જળહળાવી લે,
નિ :શબ્દ નિશાનું મૌન પ્રગટે, પરોઢિયે શબ્દ બનીને.
એમ મનની કાળી કોયલને, શ્રદ્ધાના સ્વરથી ટહુકાવી લે.
એક જ "પરમ" અપેક્ષા છે કે, કોઈ અપેક્ષા જ ન રહે હવે,
આંખોના "પાગલ" વરસાદથી પણ -
અસ્તિતવ ટકાવી લે.