પરી કથા
પરી કથા
મમ્મી -મમ્મી મને પરીકથા સંભળાવ ને....
સાંભળ..... બેટા....
એક પરી તદ્દન આ ઝાડ જેવી....
સુંદર સુંદર ફૂલો આપતી, ડાળી ડાળી ઝૂલાવતી,
ક્યારેક મધ મીઠાં ફળો આપતી,
અરે ! પક્ષી ને એનાં બચ્ચા ને ચહેકાવતી,
કીડીઓની હારમાળાને અંગ પર વીંટાળતી,
અને ઠંડા ઝાકળ સમો રાજકુમાર આવતો
ને વસંત બની ફૂલોની ખુશ્બૂથી સજાવતો....
બસ કર માં ! મિથ્યા નહીં વાર્તા કહે.... વાર્તા...
ચાલ સાંભળ હું કહું તને આજે વાર્તા...
કે વગર પાનખરે પાંદડા ખરતા....
સૂકા પાન લીલા બનતા કારણ કાંટા ચૂભતા
લોહી ના ટશર ફૂટતા... એની ભીનાશે તાજા રહેતા...
સાચી કહી નહીં વાત, છલ બિલકુલ
પણ હવે નહીં.......... નહીં
મને ઉઠાવી ગયો કલ્પનાનો રાજકુમાર
હાડમાસ પણ ક્યાં બચ્યું?
શું તારું પણ આજ થયું?
તો તેં મને કેમ સ્વપ્ન ખોટું કહેલ?
તું પણ ઝાડ હું પણ ઝાડ
ના..... ના.......
તું પણ જડ, હું પણ જડ....
કેવો ખળભળાટ કેવી ખોટી વાર્તા,
પ્રત્યેક જન્મે પરીઓ અજન્મા..
સપનાની દુનિયા અજબ ગજબ
આંખો જોવે, જે જોવડાવે,
અપરાધ વગરના આપણે તો કાંટા,
આંસુ બધાં અમથા સારી દીધાં
ચાલો બનીને પરી ઉડીએ,
આપણે તો આકાશને ઝંખનારા..
કરુણ કથની તેં છુપાવી, મેં અપનાવી
સારું એટલું તો કહે....
ક્યાં સુંધી ઊભાં રહેવાનું?
કયારે અટકવાનું?
કે ચૂપચાપ....
બે શરીર.. એક પથારી.