' અમલ ચડ્યો '
' અમલ ચડ્યો '
અમલ મને આખી રાત ચડ્યો,
ઘૂંટી ઘૂંટીને ઓરસિયે ઢળ ઢળ્યો,
અમલ મને આખી.......!
સો - સો મણની વેળ વિતાવી રાત અંધારી રડી,
ઈચ્છાને પડખે રાખીને હાથ આવતાં દડી,
સમજણની સાથે રહીને તું વચનમાં ઝળ ઝળ્યો ....!
અમલ મને આખી.......!
ગાઉ-ગાઉ ને જોજન-જોજન દેશાવરનો પ્રવાસી,
શમણાઓ તારા શણગારું પાંપણ તળે ઉદાસી,
મૌન તમારી વાણીમાં ધ્રુસકામાં ધ્રુસકે રડ્યો ....!
અમલ મને આખી.......!
કાચાં - પાકાં ગૂંથણ લઈને જીવતર જાળી રંગી,
હરિ ચડાવે રંગ અનેરો રંગ થયો પચરંગી,
પચરંગી રંગોના છાંટે મનખો સ્નેહલ મળ્યો .....!
અમલ મને આખી.......!