પ્રેમનો પ્યાલો
પ્રેમનો પ્યાલો
પ્રેમનો પ્યાલો પીને હું હૈયેથી મસ્ત બની ગયો,
વિરહની પીડાને હું હસતાં હસતાં ભૂલી ગયો.
તારી યાદોની સુગંધથી મહેંક્યું મનનું આંગણું,
તસ્વીર તારી નિહાળીને પ્રેમનો સૂર મેળવી ગયો.
પૂનમની રાતે આ ચંદ્ર પણ શરમાયો તારા રૂપથી,
તારા નયનોનાં નશામાં રાત આખી વિતાવી ગયો.
હૈયાના આકાશમાં ઘેરાઈ ગયા છે પ્રેમનાં વાદળો,
તારા પ્રેમનો વરસાદ વરસતા મને ભીંજવી ગયો.
તુ સામે આવી અને મૌન પણ બની ગયુ સંગીત,
તારા હૈયાની ધડકન સંભળતા પ્રેમગીત ગાઈ ગયો.
દૂરથી દોડતાં દોડતાં તું આજે આવી મારી પાસે,
તને નીરખીને હૈયામાં પ્રેમ જ્યોત પ્રગટાવી ગયો.
‘મુરલી’ તારા મધુર સ્મિતથી થયો વિરહ મારો દૂર,
પ્રેમનો પ્યાલો પીને તને પ્રેમનું આલિંગન આપી ગયો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

