પ્રેમગ્રંથ
પ્રેમગ્રંથ
હશે સુગંધ પ્રણય તણી પ્રેમગ્રંથના પાને પાને,
સ્વર્ણ અક્ષરે નહીં, ગાથા ગુલાબ વડે લખાશે.
રાધા શ્યામ તો ક્યાંક હીર ને રાંઝા પણ ઉમેરાશે,
પ્રેમની પરાકાષ્ઠા જશોદા મૈયા કેમ ભૂલાશે ?
રોમિયો સંગ જુલ્યેટ ને મીરાં સાથે ગિરધરને લેવાશે,
મિત્રતાનું વર્ણન કરતાં કર્ણ ને સુદામા યાદ આવશે.
દાસ્યભાવમાં હૈયું ચીર્યું એ હનુમાન થોડા વિસરાશે !
સીતા સેંથીનું સિંદૂર ભાળી અન્ય કોણ સિંદૂરથી નાહશે ?
એકતરફી પ્રેમ પેટી ઉઘડશે ત્યારે રૂક્ષ્મણીની વાતો થાશે,
પિતા પુત્રના પ્રણયના પાને નામ દ્રોણનું કદાચ ટંકાશે.
પરમેશ્વર ને ભક્ત પ્રેમમાં જેમ નરસિંહનો કેદારો સંભળાશે,
કોઈ કરતાલ તો કોઈ એકતારો તને બોલવા વગાડશે.
ગુરુ શિષ્યની વાતમાં જેમ અમીર ને નિઝામુદ્દીન પણ લખાશે,
આશા છે પ્રેમગ્રંથના એકાદ પાને, ક્યારેક બંદગી પણ વંચાશે.
