પ્રેમ પારસમણિ
પ્રેમ પારસમણિ
એરી સખી રી જો ને, મન મારું થઇ ગયું રે આકળું,
આવ્યું પિયુનાં દેશથી મતવાલું શુ કોઇ કાળું રે વાદળું !
હા રે સખી રી..જો ને, પ્રેમ પારસમણિ રે કહાવે !
લાવ્યું વરસાદ અનરાધાર ભરી નિજમાં યાદનાં રે વારિ,
વાવડ પિયુનાં લાવે ન વેરી, થાકી નિત વાટ રે નિહારી !
હા રે સખી રી જો ને, પ્રેમ પારસમણિ રે કહાવે !
નિષ્ઠુર વીજનાં મહેણાં-ટોણાં મુને શા કાજે રે તડપાવે,
અધૂરું મિલન યાદ બની અંગ અંગ અગન રે વરસાવે !
હા રે સખી રી જો ને, પ્રેમ પારસમણિ રે કહાવે !
દાદુર, મોર, બપૈયા કરે હસી-ઠીઠોલી મધુરસ રે ઘોળી,
અશ્રુજલ વહે નિશદિન નયને, ભીંજવે મારી રે ચોળી !
હા રે સખી રી જો ને, પ્રેમ પારસમણિ રે કહાવે !
વિયોગ તણી અગ્નિએ તાપી પ્રેમને કસોટીએ રે ચડાવું,
પિયુ કાજે પ્રતીક્ષાની એરણે પરિશુદ્ધ કંચન રે બનાવું !
હા રે સખી રી જો ને, પ્રેમ પારસમણિ રે કહાવે !
પ્રેમ પારસમણિ સંજોવું હૈયે જે પ્રથમ મિલને રે પામી,
અંતિમ મિલન થશે શાશ્વત એકદા સૌ કટાક્ષ રે ડામી !
હા રે સખી રી જો ને, પ્રેમ પારસમણિ રે કહાવે !
વરસાદ યાદ થૈ વરસે, કેમ છોડું પિયુ મિલનની રે રાહ ?
હો વિયોગ તલવાર બેધારી 'દીપાવલી' ન ભરે રે આહ !
હા રે સખી રી..જો ને, પ્રેમ પારસમણિ રે કહાવે !