પપ્પા મારે કંઈક કહેવું છે
પપ્પા મારે કંઈક કહેવું છે
મનમાં સમેટેલી વાત આજ મારે કહેવી છે,
ક્યારે જીવશો પોતાને કાજ,
એ વાતનો ઉકેલ કરવો છે,
પપ્પા, મારે કંઈક કહેવું છે.
નિજનાજ પડછાયા જોયા લાંબા ટૂંકા થાતા મેં,
પણ અભાવ ન જોયો ક્યારે અડધો થાતો મેં,
ક્યારે કરશો સુખનો આભાસ,
એ વાતનો ઉકેલ કરવો છે,
પપ્પા, મારે કંઈ કહેવું છે.
હિમાલય સમ અડીખમ રહ્યા છો હંમેશા સઘળી ઝંઝાવાતોમાં,
ક્યારે માણશો અનેરો આનંદ,
એ વાતનો ઉકેલ કરવો છે,
પપ્પા મારે કંઈક કહેવું છે.
હવે નહીં માનું હું તમારી વાત,
બસ સઘળી ત્યજો હવે ગમની વાત,
હું છું ને તમારી સાથ,
એ વાત સ્પષ્ટ કહેવી છે,
પપ્પા, મારે કંઈ કહેવું છે.