ફળિયાની દિવાળી
ફળિયાની દિવાળી


ના કાજુકતરીની સુગંધ હતી ના બરફીની થાળી,
પણ અમારી દિવાળીની યાદો બહુ મજાની હતી,
ના ભાતભાતનાં પકવાન હતાં ના માવાની મીઠાઈ,
બાના હાથના મોહનથાળની મજા કંઈક ઓર હતી,
ફટાકડામાંય અમારે તો માત્ર સૂરસૂરિયાં ને ટીકડી,
મિત્રો સાથે એનેય ફોડવાની મજા કંઈક ઓર હતી,
કોઠી ને ચકરડી તો નસીબવાળાનેજ હોય,
સાથે મળીને સળગાવવાની મજા કંઈક ઓર હતી,
એક જોડી કપડાંમાં તો અમારી દુનિયા હતી,
નવા વર્ષે પહેરવાની મજા જ કંઈક ઓર હતી,
કુમકુમનો સાથિયો એ જ અમારી રંગોળી હતી,
મહેમાનોને આવકારવાની મજા કંઈક ઓર હતી,
દિવાળી આવ્યા પહેલાં ત્યાં જવાની તૈયારી થતી,
મામાના ઘેર જવાની મજા કંઈક ઓર હતી,
પાંખી વસ્તુઓમાં લાગણી ઝાઝી હતી,
પ્રેમથી રાહ જોવાની મજા કંઈક ઓર હતી,
શહેરની ઝાકમઝોળમાં ભલે ભવ્યતાથી મનાવીએ,
ફળિયાની દિવાળીની મજા કંઇક ઓર હતી.