પૈસાનું ઝાડ
પૈસાનું ઝાડ
ટપ્પુએ એકદિન જાવા પ્રવાસે,
પપ્પાને વાત કરી જઈ,
પપ્પા નિશાળમાંથી જાય છે પ્રવાસ તો,
મારે પણ જાવું તો જોંઈ
પપ્પાએ ઝટ દૈ બાવડું ઝાલ્યું ને
પછી ફટ દૈ કીધું કે નહીં,
અલ્યા પૈસાના ઝાડ ઉગે અહીં ?
ટપ્પુએ રડતાં ને મનમાં કકળતા,
મમ્મીને વાત કરી જઈ,
મેં તો પ્રવાસમાં જાવાનું કીધું'તો
કેવો ધક્કો માર્યો છે મને કંઈ,
કીધું પૈસાના ઝાડ ઉગે અહીં ?
મમીએ ટપ્પુને વ્હાલો કર્યોને પછી
બચી ભરી આંસુડા લુઇ,
મારા દીકુડાને જાવું પ્રવાસમાંને
મોકલશે પપ્પા જ ભઈ,
દીકા પૈસાના ઝાડ ઉગે કંઈ ?
ટપ્પુને કીધુને સંભળાવ્યું પપ્પાને
મમ્મીએ શરૂ કર્યું ભઈ,
આવે તારી ફઇ નિત નવા બહાનાં કહી,
તારા બાપાને ખંખેરી લઈ,
હં અ પૈસાના ઝાડ ઉગે અહીં
જઈએ જો કોઈ'દી ભૂલે ચૂકે દવાખાને,
ટાલકું જ કરી નાંખે ભઈ,
કેટલીયે જાતના ચેકઅપ કરાવે
પછી રિપોર્ટ આપે રૂપિયા લઈ,
જાણે પૈસાના ઝાડ ઉગે અહીં
કરકસર કેટલી ઘરમાં કરીએ ને
બહાર જલ્સા ન કરીએ તોય,
એક એક પાઈ જોડી બીજ એક રોપીએ
ને બચત ન થાય કદી તોય,
ક્યારે પૈસાના ઝાડ ઉગે અહીં
વર, વહેવાર ને તહેવારો આવતા
સૌની સાથે તો રહેવું ન જોંઈ ?
ખુશીઓના ભાવ જુઓ આસમાને પહોંચ્યા ને
ઈચ્છાઓ લુપ્ત થઈ ગઈ
કહો પૈસાના ઝાડ ઉગે કંઈ ?
પપ્પાએ ટપ્પુને વ્હાલો કર્યોને પછી
બચી ભરી ડાહ્યો દીકો કહી,
જલ્દી કબાટમાંથી ગલ્લો કાઢયોને પછી
ફોડ્યો ને ખણખણાટ થઈ,
રૂપિયાની નોટો ને સિક્કાની ઢગલી
જોઈને મઝા પડી ગઈ,
જાણે પૈસાનું ઝાડ ઉગ્યું અહીં
