નવોઢા
નવોઢા
ઝાકળ જેવી નવોઢા પ્રેમ પર્ણ ઉપર ઢોળાઈ જવાની,
અજાણી આંખલડીમાં પલકો પાછળ સંતાઈ જવાની.
વ્હાલપની ક્ષિતિજે મળે જેમ આકાશ ઝુકીને ધરતીને,
ભવ્ય ભુજાઓમાં ભાવથી આજ નવોઢા જકડાઈ જવાની.
કુંવારી માટીની જેમ પ્રથમ વર્ષાએ નવોઢા પલળીને,
આજે સર્વ બંધનો તોડીને મન મુકીને એ તો મહેકી જવાની.
ગમતીલી ગઝલ ગુંફનમાં શબ્દો ગૂંથાય ગયા છે જે રીતે,
રગરગમાં નવોઢા આજે સમર્પિત થઈ સમાઈ જવાની.
હકીકત બન્યા સપનાઓ એક અજનબીની પનાહમાં,
અરમાનોના બાગમાં કલી બની નવોઢા શરમાઈ જવાની.
ભૂલી અતીતને હાંફતા બે હૈયાઓ પામશે હળવાશ,
ખુદ વર્તમાન ક્ષણ બની નવોઢા સમય પર ફેલાઈ જવાની.
યુગોના "પરમ" વિરહ પછી આવી સ્નેહમય સુહાગરાત,
પ્રેમધરા ઉપર નવોઢા "પાગલ" થઈ પથરાઈ જવાની.

