નસીબનાં ખેલ
નસીબનાં ખેલ
કેવા ન્યારાં છે નસીબના ખેલ જુઓ,
મળવું છે પણ અમે મળી શકતા નથી,
સ્વભાવ તો 'દૂધમાં સાકર' હોવા છતાં,
ભળવું છે પણ અમે ભળી શકતા નથી.
કેવા અજીબ છે પ્રેમનાં દાખલાં જુઓ,
ગણવા છે પણ અમે ગણી શકતા નથી,
લાગણીના પાઠ પણ કંઈ અવળા જ છે,
ભણવા છે પણ અમે ભણી શકતા નથી.
કેવાં સૂકાં ફળ મળી રહ્યાં છે ધીરજનાં,
ફળ ચાવવાં છે પણ ચાવી શકતા નથી,
સમજણનાં બીજ મળે તો કોઈ મેળ પડે,
બીજ વાવવાં છે પણ વાવી શકતા નથી.
કોઈ બેડીઓ જાણે જાતે જ બાંધેલી છે,
સાથે ચાલવું છે પણ ચાલી શકતા નથી,
કેવા છોતરા છે નસીબરૂપી નારિયેળનાં,
એને છોલવું છે પણ છોલી શકતા નથી.