નેણ ક્ષિતિજે
નેણ ક્ષિતિજે
ઝાકળના દર્પણમાં જોને સૂરજ હાલ્યો મોઢું જોવા,
ઠંડુ ઠંડુ ટીપડુંક જોઈને સૂરજ હાલ્યો મોઢું ધોવા.
નરમ ધૂપમાં ઝગમગ થાતો ઝાકળમાં કેવો ઝળકાયો,
શાંત સવારે બાળપણાંનો સૂરજ હાલ્યો મોઢું જોવા.
ડોકાયો જ્યાં દર્પણમાં તો ઓસ બુંદમાં સાવ સૂકાયો,
બપોર વેળા તપિ તપિને સૂરજ હાલ્યો મોઢું ધોવા.
નીર નદીના નીરખ્યા ત્યાં તો વમળ તણાં વલયોમાં ફસાયો,
સમી સાંજ પ્રેમીની આંખમાં સૂરજ હાલ્યો મોઢું જોવા.
પ્રિયની આંખો જાણે સાગર'મઝધારે' જઈને અટવાયો,
કાજળઘેરી નેણ ક્ષિતિજે સૂરજ હાલ્યો ડૂબી તરવા.

