નેજવાની ડાળે એને ઝુલવી લઈએ
નેજવાની ડાળે એને ઝુલવી લઈએ
ચાલો નવી નવાઈનું ઘડપણ આવ્યું,
નેજવાની ડાળે એને ઝુલવી લઈએ.
નવા નકોર દાંત આવ્યા,
એને રાખીયે સદા હસતાં,
છે દાડમની કળીઓ જેવા,
અને બાળકો જેવા હસતા !
નવા ચશ્મે કરીએ દિવાળી,
જૂની આંખે નીરખીએ રંગોળી,
નવા રંગે રંગાઈ જઈ,
ખેલી લઈએ હોળી, ચાલો નવી..
ઝંખુ કે મારો વૃધ્ધત્વનો વડલો,
અહર્નિશ જુવાનજોધ રહે,
એની ડાળે સ્મૃતિનાં પંખી,
રાત અને દિ' ઝુલતા રહે.
પુત્રો પૌત્રો મિત્રોનાં પંખી,
હર હંમેશ ટહૂકતા રહે,
ના કાળની ઝાપટ લાગે કદી,
ન મોજીલા જીવને સ્પર્શે કદી, ચાલો નવી..
મારે બચપણનું વિસ્મય સાચવવું છે,
મારે શૈશવની મુગ્ધતા જાળવવી છે,
મારે પ્રેમનાં સોપાન હજુ ચઢવા છે,
મારે યૌવનનો થનગનાટ હજુ રાખવો છે,
પ્રૌઢતાને શાણપણથી શણગારવી છે,
ઘડપણની સૌમ્યતાને સંવારવી છે,
મારે ઘડપણમાં કોઈની લાકડી બની,
વૃધ્ધતાનું સૌંદર્ય વધારવું છે, ચાલો નવી..
નિવૃત્તિ મારે કદી લાવવી નથી,
4, 34);">છે મારે આખી દુનિયામાં ઘણું,
ઘણું જોવાનું બાકી ઘણું ઘણું,
કરવાનું બાકી જીવનની ઘટમાળમાં !
માંડ હજુ ફૂરસદ મળી છે ભાઈ!
મારે માટે મારે લાયક કંઈક હજુ કરવું છે!
યમદેવને મારે કહેવું પડશે ભાઈ!
ઉતાવળે કાં દોડ્યો આવે ?
નવી નવાઈનાં ઘડપણને મારે,
હજુ નેજવાની ડાળે ઝુલવવું છે.
જેની પાસે શોખ હોય,
શોખની સાથે ઈચ્છા હોય,
ઈચ્છાપૂર્તિની હોંશ હોય,
હોંશ પૂરી કરવાનાં કોડ હોય,
સ્વની નહિ તો બીજાની ઈચ્છાપૂર્તિનાં,
અભરખા હોય તેને ન કંટાળો ઘડપણનો,
તેને ન અકારું ઘડપણ કદી,
ચાલો સૌ નવી નવાઈનાં ઘડપણને,
નેજવાની ડાળે ઝુલવી લઈએ.
વાળ હોય કે ન હોય, કે રુપેરી હોય,
છે આ શ્રીફળમાં મીઠું પાણી,
ચહેરા પરની કરચલીઓ કહે છે,
છે કેટલો અનુભવનો ખજાનો,
અમે રહીએ મસ્ત નિજાનંદમાં,
માણીએ એકલતાને યોગાસનમાં,
જો કોઈ પૂછે રહસ્ય પ્રસન્નતાનું,
ચાલો કહી દઉં હું ખાનગીમાં,
નવી નવાઈનું ઘડપણ અમારું,
નેજવાની ડાળે અમે ઝુલાવી લીધું !